ગાંધીનગર નગરસેવકો માટે પ્રેઝન્ટેશનનો ગુજરાતીમાં અનુવાદ કરવો પડ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : એક તરફ ગાંધીનગરને રાજ્યનું સ્માર્ટ સીટી બનાવવા માટે મહાનગર પાલિકા દ્વારા તનતોડ મહેનત શરૂ કરીને દરખાસ્તો તૈયાર કરાઇ છે. સ્માર્ટ સીટી માટે નગરના રહેવાસીઓને શું સુવિધાઓ અને કેવી સેવાઓ જોઇએ છે, તેના માટે શહેરીજનો પાસેથી મળેલા સુચનના આધારે રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરવાની દરખાસ્ત અને પ્રેઝન્ટેશન અંગ્રેજીમાં તૈયાર કરવામાં આવ્યા હતાં.

જો કે જે સત્તાધીશોના હાથમાં મનપાની કમાન છે તેવા અને રાજકારણમાં પાવરધા કેટલાક નગરસેવકો સમક્ષ અંગ્રેજીમાં તૈયાર કરેલું પ્રેઝન્ટેશન આજની સામાન્ય સભામાં રજુ કરવાનું હતુ અને સ્માર્ટ સીટીની દરખાસ્તને પસાર કરવાની હતી પરંતુ મેયરે જાણ્યું કે પોતાના સહિત ભાજપના 17 નગરસેવકો પૈકી સાત તો એવા છે કે જેઓ ધોરણ 10 અને 12 પાસ સુધી ભણેલા છે. આથી સ્વભાવિક રીતે અંગ્રેજીનું પ્રેઝન્ટેશન સમજવામાં અઘરૂ પડશે આથી ગુજરાતી અનુવાદ કરવાનું કહ્યાનાં પગલે બુધવારે મોડી રાત સુધી અધિકારીઓએ રાત ઉજાગરો કરીને ગુજરાતી અનુવાદ કરવો પડ્યો હતો.

ભાજપના સાત સદસ્યો ધો.10 અને 12 પાસ હતાં

અત્રે નોંધવું રહેશે કે પ્રેઝન્ટેશન જોવા હાજર રહેલા પૈકી 7 નગર સેવકો ધોરણ 10 અને 12 પાસ થયેલા હતાં. તેમાં સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલ ધોરણ 10 પાસ, નરેશ પરમાર ધોરણ 12 પાસ, પાર્વતિબેન પરમાર ધોરણ 10 પાસ, પ્રવિણાબેન દરજી એસએસસી પાસ, નીતિનભાઇ પટેલ ધોરણ 10 પાસ, બરખાબેન જહા ધોરણ 12 પાસ અને જયદેવ પરમાર ધોરણ 12 પાસનો સમાવેશ થાય છે. જો કે જયદેવ પરમાર હાલ ઇજનેરી અભ્યાસક્રમ ભણે છે.
અન્ય સમાચારો પણ છે...