તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર : મેળામાં ભીડ ભેગી કરવા 110 બસ દોડાવાઇ, મુસાફરો રઝળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો ગુરૂવારે ગાંધીનગર પાસેના કોબા ખાતે પ્રેક્ષાભારતીમાં યોજવામાં આવ્યો હતો. તેમાં લાભાર્થીઓને હાજર રાખવા અને ભીડ દેખાડવા તંત્ર દ્વારા ભારે પ્રયાસો કરાયા હતાં. તે માટે જિલ્લાના 4 ડેપોમાંથી 110 બસો દોડાવવામાં આવી હતી. લાભાર્થીઓને એક તરફ લ્હાણી કરાઇ અને બીજી તરફ અાખો દિવસ હજ્જારો મુસાફરો રઝળી પડ્યા હતાં.

શાળા -કોલેજે જતાં વિદ્યાર્થીઓ અટવાયા

રાજ્ય સરકારની વાહવાહ કરવા માટે અને ગ્રામ્ય પ્રજાને ભાજપ તરફી આકર્ષવા માટે સરકારી તંત્રનો જબરજસ્ત ઉપયોગ થઇ રહ્યો છે. તો બીજી તરફ મુશ્કેલીમાં મુકાયેલા અન્ય અનેક લોકો સરકારની આ પ્રકારની કાર્યવાહીથી રોષે ભરાયા હતાં. ડેપો અને રસ્તાના પીકઅપ સ્ટેન્ડ ઉપર બસની રાહ જોઇને ઉભા રહેલા પ્રવાસીઓને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડી હતી. તેમાં અનેક વૃધ્ધો, મહિલાઓ અને બાળકો તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ગામડાની બસો કેન્સલ કરાતા લોકોમાં રોષ

સમયસર પરિવહન સેવા ન મળતાં અટવાઇ ગયેલા પ્રવાસીઓ સરકારી તંત્ર અને સરકાર સામે આક્રોશ ઠાલવતા જોવા મળ્યા હતાં. તો સરકાર તરફથી સહાયની લ્હાણી મેળવનારા લાભાર્થીઓ સરકારની વાહવાહ કરતા થાકતા ન હતાં. ગાંધીનગર પથિકાશ્રમ ખાતેના એસટી ડેપોમાં અમદાવાદ તરફ જવા માટે પ્રવાસીઓના ટોળા જામ્યા હતાં. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જતી કેટલીક બસો પણ ગરીબ કલ્યાણ મેળામાં ફાળવી દેવામાં આવી હતી. તેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરો પણ કલાકો સુધી રઝળી પડ્યા હતાં.

આવી પરિસ્થિતિ કલોલ, માણસા અને દહેગામ ખાતેના એસટી ડેપોમાં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકાર દ્વારા જ્યારે પણ ગરીબ મેળા સહિતના સરકારી કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે પ્રજાની મિલકત ગણાતી એસટીનો તેમના પરિવહનની જગ્યાએ દુરઉપયોગ કરાતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અન્ય સમાચારો પણ છે...