ગાંધીનગર | દેશ ત્રાસવાદ સામેની લડાઇ લડી રહ્યો છે ત્યારે ત્રાસવાદના આરોપ કોઇ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તેમની કાર્યાલયમાંથી કરવાને બદલે દેશની સુરક્ષા કરતી તપાસ એજન્સીઓ દ્વારા કરાવવી જોઇએ તેવી માગ સાંસદ અહેમદ પટેલે કરી હતી. તેમણે ગૃહ મંત્રી રાજનાથસિંહને પત્ર લખીને એવી માગણી કરી હતી કે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત ક્યારેય રાજકારણની કેદી હોઇ શકે નહીં.
સમગ્ર પ્રકરણમાં ઊંડી અને તટસ્થ તપાસ થવી જોઇએ તેમજ સંડોવાયેલા લોકો બહાર આવવા જોઇએ. તેમણે તપાસ એજન્સીને પણ પૂરો સહયોગ આપવાની ખાતરી આપી હતી. સાંસદ અહેમદ પટેલ પત્રમાં એવી માગણી કરી છે કે ગુજરાત એટીએસ દ્વારા ભરૂચ હોસ્પિટલમાંથી આઇએસઆઇએસના સભ્યો પકડવામાં આવ્યા છે. આ ધરપકડ ગુજરાતની સુરક્ષાને પડકારી છે. આ ઘટના ગુજરાતની અસ્મિતાને ઝાંખપ પહોંચાડનારી હોવાથી તેની સક્ષમ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ થવી જોઇએ. આવી ઘટનાઓમાં પાયાવિહોણા આક્ષેપ કરીને તેને ચૂંટણીલક્ષી ફાયદો મેળવવા માટે બનાવવી જોઇએ નહીં.
તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત કદી રાજકારણની કેદી હોઇ શકે નહીં અને સંકુચિત રાજકીય હેતુ સિદ્ધ કરવા રાજકીય હરીફો પર કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ બંધ થવી જોઇએ. આવી પ્રવૃત્તિ આપણી આતંકવાદની લડાઇ માટે અન્યાયવાળી છે. ગુજરાતની સત્તાધારી પાર્ટી દ્વારા પાયવિહોણા અ્ને જુઠ્ઠા આક્ષેપો કરીને ચાલતી તપાસને નબળી પાડી રહી છે, તેમની આવી પ્રવૃત્તિથી હું વિચલિત થયો છું.
ત્રાસવાદના આક્ષેપ દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવાને બદલે કોઇ રાજકીય નેતા દ્વારા પક્ષના હેડ ક્વાટર્સમાં બેસીને કરાવવા ન જોઇએ. તેમણે રાજનાથ સમક્ષ એવી માગણી કરી હતી કે,એક સાંસદ તરીકે દેશના સાર્વભૌમકત્વ અને અખંડિતા તેમજ પ્રામાણિકતાને સોગંદ લીધા છે ત્યારે હું આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરીને આરોપીઓને, ગુનેગારોને બહાર લાવવા જોઇએ. આ તપાસમાં હું સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છું તેવી ખાતરી પણ પટેલે આપી હતી.