લેકાવાડામાં ગામમાં ઘણાં દારૂ વેચે છે, મારા ભાઇને જ કેમ પકડયો?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારીની જિલ્લા પોલીસ વડાનાં આદેશ બાદ મોટા ભાગનાં બુટલેગરોના સ્ટેન્ડ સંકેલાઇ ગયા છે. છતા ગ્રામ્ય વિસ્તારોમાં ખુણે ખાંચરે દેશી તથા વિદેશી દારૂ ચોરી છુપીથી વેચાતો રહે છે. ત્યારે ચિલોડા પોલીસે લેકાવાડાના એક શખ્સને પિધેલી હાલતમાં પકડી પાડ્યો હતો. તેને છોડાવવા આવેલા તેના ભાઇ સહિતનાં 3 શખ્સોએ ગામમા અન્ય લોકો દારૂ વેચે છે, તો આને એકને જ કેમ પકડ્યો તેવો આક્ષેપ કરીને પોલીસ સ્ટેશનમાં ઝઘડો કરતા પોલીસે આ શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી અટકાયત કરી હતી.

જિલ્લામાં કયાંય દારૂ ન વેચાય કે પિવાય તે બાબતે નજર રાખવા દરેક પોલીસ મથકોને પોલીસ અધિક્ષકની તાકીદ

ચિલોડા પોલીસ સ્ટેશનથી સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતોનુંસાર ચિલોડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ આર એસ રાજપૂત પોતાની ટીમ સાથે લેકાવાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે લેકાવાડાનો શખ્સ જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા દારૂ પિધેલી હાલતમાં પકડાયો હતો. જીતેન્દ્રસિંહને ચિલોડા પોલીસ સ્ટેશન લાવીને પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચિલોડા પોલીસ સ્ટેશને પિધેલાને છોડાવવા આવેલા ત્રણ શખ્સની અટકાયત

આ બનાવની જાણ થતા લેકાવાડાનાં 3 શખ્સો અરવિંદ વિક્રમસિંહ વાઘેલા, મિતેષસિંહ ભરતસિંહ વાઘેલા મોડી સાંજે ચિલોડા પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા. જયાં આ શખ્સોએ પોલીસ સાથે માથાકુટ કરીને ધમકી આપી હતી તે મારાભાઇને તમે ખોટી રીતે કેમ લાવેલા છો. જીતેન્દ્રસિંહને છોડી દો નહી તો જોવા જેવી થશે. ત્રણેય ઇસમોએ પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કરીને જણાવ્યુ હતુ કે ગામમાં ઘણા દારૂ વેચે છે. આને એક ને જ ખોટી રીતે કેમ પકડ્યો ? જીતેન્દ્રસિંહને છોડાવવા આ ત્રણેય શખ્સોએ પોલીસ સ્ટેશનમાં જ હંગામો મચાવતા પોલીસે શખ્સો સામે સરકારી કામમાં ફરજ રૂકાવટની ફરીયાદ દાખલ કરીને અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાપોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્રારા જિલ્લામાં કયાય દારૂ ન વેચાય કે પિવાય તે બાબતે દરેક પોલીસ સ્ટેશનોને તાકીદ કરવામાં આવી છે. પરંતુ કેટલાક ગામડાઓમાં ચોરી છુપીથી આ પ્રવૃતિ ચાલી રહી છે. જેનાથી સ્થાનિક પોલીસ અજાણ હોય તે વાત માની શકાય નહી.
અન્ય સમાચારો પણ છે...