તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ તાલુકાની એક શાળા: ધોરણ-1નો એક વિદ્યાર્થી અને 2 શિક્ષકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે જિલ્લા પંચાયત હસ્તકની કલોલ અને દહેગામ તાલુકામાં આવેલી 2 પ્રાથમિક શાળાઓને નજીકની શાળા સાથે ભેળવી દેવા (મર્જ)નો ઠરાવ આજે મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દહેગામ તાલુકાના હરસોલી ગામમાં ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે તે અંગેની નિયમ અનુસારની પ્રક્રિયા પુરી થયા બાદ નિર્ણયનો અમલ કરવામાં આવશે.

શાળામાં છાત્રોની સંખ્યાના અભાવે કલોલ તાલુકાના ગણપતપુરાની પ્રાથમિક શાળાને મર્જ કરવી પડી

આ અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં આજે શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. તેમાં 2 તાલુકાની શાળાને મર્જ કરવાનો અને એક શાળા શરૂ કરવાનો ઠરાવ કરાયો હતો. કલોલ તાલુકાના ગણપતપુરા ગામમાં જિલ્લા પંચાયત હસ્તકની ધો 1થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે. તેમાં ધોરણ-1માં માત્ર એક જ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો અને આ શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવી રહ્યાં હતાં.ઘણાં પ્રયાસો કરવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યા પુરી થઇ શકે તેમ ન હોવાથી ગણપતપુરાની પ્રાથમિક શાળાને નજીકમાં આવેલા ધેધુ ગામની શાળામાં મર્જ કરવાનો ઠરાવ કરાયો હતો.

દહેગામ તાલુકાના હરસોલી ગામમાં ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવાનો શિક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો

આ ઉપરાંત દહેગામની પણ એક પ્રાથમિક શાળામાં પણ બાળકોની અપુરતી સંખ્યાના કારણે નજીકના ગામની શાળા સાથે તેને મર્જ કરવામાં આવી હતી. તેના કારણે આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને બાળકોને અન્ય શાળામાં મુકવામાં આવશે. આ ઉપરાંત દહેગામ તાલુકાના હરસોલી ગામમાં અભ્યાસ કરતી કન્યાઓને દૂરની શાળામાં અભ્યાસ કરવા જવુ પડતુ હોઇ હરસોલી ગામમાં પ્રાથમિક શાળા શરૂ કરવા માટે નિર્ણય કરાયો હતો. જો કે આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એમ રાઠોડે જણાવ્યું કે નવી શાળા શરૂ કરવા માટેના રાજ્ય શિક્ષણ વિભાગના નિયમોને અનુસરવુ પડે છે. જેથી તે અંગેનો અભ્યાસ કર્યા બાદ નવી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે આખરી નિર્ણય લેવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...