હવે ન્યૂ ગાંધીનગરમાં પણ જમીનની હરાજી થશે, ઓનલાઇન છતાં રિંગ થવાની દહેશત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરના વિવિધ સેક્ટરોમાં 98 પ્લોટ માટે હરાજીનો તખ્તો તૈયાર કરી દેવાયો: ઓનલાઇન છતાં રિંગ થવાની દહેશત

ગાંધીનગર: પાટનગરમાં સેક્ટર વિસ્તારમાં વિવિધ હેતુનાં 98 પ્લોટની હરાજી માટે તંત્રે તખ્તો તૈયાર કરી દીધો છે. તેની સાથે જ ઓનલાઇન પ્રક્રિયા થવાની હોવા છતાં તેમાં રીંગ થઇ જવાની દહેશતના પગલે અધિકારીઓ દ્વારા આ મામલે હરાજીનું સોફ્ટવેર તૈયાર કરનાર અને સમગ્ર પ્રક્રિયા કરનાર કંપની એન કોડ સાથે વાતચીત કરી છે. ત્યારે સેક્ટર બહારના વિસ્તારમાં પણ રહેણાંક અને વાણિજ્ય સહિતના હેતુ માટે જમીનની હરાજી કરવા માટે ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સુચના આપી દેવાઇ હોવાનું જાણવા મળે છે.

પાટનગર અને સેક્ટરની બહાર રાજની કુંવરીની જેમ વિકસી ગયેલા ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં પણ આગામી દિવસોમાં વાણિજ્ય હેતુ અને રહેણાંક સહિતના હેતુની જમીન વિવિધ નગર રચના યોજનામાં ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી રજૂઆતો થઇ રહી છે. આખરે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ વાતને ગંભીરતાથી લેવામાં આવી છે અને આ દિશામાં આગળ વધવા માટે ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળને સુચના આપી દેવામાં આવી છે. પરિણામે ગુડા દ્વારા વિવિધ ટીપી સ્કીમ અંતર્ગત મળેલી જમીનમાં જુદા જુદા હેતુ માટે પ્લોટ પાડીને તેની હરાજી કરવા માટેનું આયોજન કરવામાં આવશે.

દરમિયાન કલેક્ટર તંત્રની જમીન ફાળવણી શાખા દ્વારા તા. 1થી 5 સુધીમાં 98 પ્લોટની હરાજી કરવા માટે તખ્તો તૈયાર કરી દેવાયા પછી ઓનલાઇન આ પ્રક્રિયા થવાની હોવા છતાં કોઇ પ્રકારે રીંગ કરવાની પ્રવૃતિ કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નહીં હોવાથી જિલ્લા તંત્રના અધિકારીઓ દ્વારા આ મામલે ચોક્કના રહેવા માટે સોફ્ટવેર બનાવનાર તથા પ્રક્રિયા કરનાર કંપની એન કોડના સંચાલકોને સાવધ કરી દેવામાં આવ્યા છે.

અંદાજે 20 જેટલા પ્લોટ હરાજીમાં મુકાશે

ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા પ્લોટની હરાજી કરવાની પ્રક્રિયા થવાને વાર લાગશે. પરંતુ ગુડા દ્વારા 18થી 20 જેટલા મોકાના પ્લોટ હરાજીમાં મુકવામાં આવે તેવી શક્યતા છે. આટલા પ્લોટ માટેની જમીન ગુડા હસ્તક આવી ગઇ હોવાનું વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...