તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમવાર નોટાનો વિકલ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: રાજ્યની 10318 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 27 ડિસેમ્બરે યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગે કરી છે. આ ચૂંટણીમાં પ્રથમ વાર નોટાનો ઉપયોગ કરાશે. આ જાહેરાતની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી જ આચારસંહિતા અમલી બનશે. વોર્ડના સભ્યો અને ગામના સરપંચ એમ બંનેની ચૂંટણી એકસાથે યોજાશે. 10318 ગ્રામ પંચાયતના સરપંચ અને 91002 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. 25454 મતદાન મથક પરથી 1.89 કરોડ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકીય પક્ષોના ચિહન વિના ચૂંટણી લડાશે છતાં ભાજપ અને કૉંગ્રેસ પોતાના તરફી ઉમેદવારોને વિજયી બનાવવા મેદાને છે.
અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોટાનું ઓપ્શન સ્વીકારાયું નહોતું. ગત વર્ષે પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીથી તેનો અમલ શરૂ થયો હતો. હવે ગ્રામ પંચાયતોમાં ‘ઉપર પૈકીના કોઈ પણ નહીં’ એવો નોટાનો વિકલ્પ પસંદ કરવાની મતદારોને પ્રથમ વાર તક મળશે. આગામી 5મી ડિસેમ્બરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. 10મી સુધીમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે જ્યારે 12મીએ ચકાસણી અને 14મી સુધીમાં પરત ખેંચી શકાશે. 27 ડિસેમ્બરે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જરૂર જણાશે તો 28મીએ પુનઃ મતદાન અને 29મીએ મત ગણતરી થશે.
રાજ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ જણાવ્યું કે, 98.64 લાખ પુરુષ અને 90.82 લાખ સ્ત્રી મતદાર મળીને કુલ 1.89 કરોડ મતદાર મતદાન કરશે. 61128 મતપેટીનો ઉપયોગ કરાશે. 5 હજારથી વધુ ચૂંટણી અધિકારી તથા મદદનીશો, 1.49 લાખ પોલિંગ સ્ટાફ જ્યારે 60,486 પોલીસ કર્મચારી તહેનાત રહેશે. વધુ પંચાયતો હોવાથી ઇવીએમનો ઉપયોગ થઈ શકે તેમ ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે 87 મુક્ત પ્રતીક નક્કી કર્યાં છે.
સરપંચ માટે ખર્ચની મર્યાદા, સભ્યોને નહીં

ચૂંટણી પંચે સરપંચના ઉમેદવારોની ખર્ચની મર્યાદા નક્કી કરી છે જે મુજબ 1થી 11 વોર્ડ સુધીની પંચાયત માટે 10 હજાર, 21 વોર્ડ સુધીની પંચાયત માટે 20 હજાર અને 21થી વધુ વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયત હોય તો 30 હજાર સુધીનો ખર્ચ કરી શકાશે જ્યારે પંચાયતના સભ્ય ઉમેદવાર માટે ખર્ચની કોઇ મર્યાદા નિયત કરાઈ નથી.
અન્ય સમાચારો પણ છે...