તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરમાં સિટી બસની સુવિધા ઊભી કરવામાં મહાપાલિકા નિષ્ફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગરમાં સિટી બસની યોગ્ય અને લોકોને સંતોષ થાય તેવી સુવિધા ઉભી કરવામાં મહાપાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. મહાપાલિકાએ અમદાવાદ કોર્પોરેશનની જેમ પોતાની બસ સેવા ચલાવવા સરકાર પાસે 2 વર્ષ પહેલા નવી બસો ફાળવવાની સત્તાવાર માગણી કરી તેનું પરિણામ આવ્યું નથી. જુના કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યાના ચાર મહિના બાદ પણ મહાપાલિકાને નવી બસ ઓપરેટર કંપની મળી નથી. ગત મહિને બે કંપનીએ ટેન્ડર ભર્યા અને તેમાંથી એક કંપની બસ ચલાવવા તૈયાર થવા છતાં તેને કામ અપાયું નથી.

ચાર મહિના પછી નવી કંપની પસંદ કરાઇ પરંતુ વર્ક ઓર્ડર આપ્યો નથી

સરકાર મહાનગરોમાં બસની સેવા ઉભી કરવા માટે જનવાહિની યોજના પર કામ કરે છે અને 1 હજાર બસ ખરીદવા બજેટમાં નાણાની જોગવાઇ કરી હતી. આ યોજના અંતર્ગત ગાંધીનગર મહાપાલિકાને 10 બસ ફાળવવાના મુદ્દે ચર્ચા પણ થઇ હતી. જો કે માત્ર 10 બસથી નગરના પરિવહનની વ્યવસ્થામાં કોઇ ફેરફાર થાય તેમ નથી.

આ સંજોગોમાં મહાપાલિકા પોતે જ એએમટીએસના જેવું માળખુ ઉભુ કરે અને કેટલા રૂટ ચલાવવા અને દરેક રૂટ પર કેટલી ટ્રીપ કયા સમયે ચલાવવી તે સહિતની તમામ ગોઠવણ તથા તેના સંચાલન માટે વ્યવસ્થા તંત્રના મુદ્દા પર સઘન ચર્ચા પછી આ દિશામાં આગળ વધવા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ચૌધરીએ નિર્ણય કર્યો હતો. પરિણામે 17 જુલાઇ 2015માં મળેલી સામાન્ય સભામાં આ મુદ્દે ઠરાવ કરીને સરકાર પાસે 40 બસ ફાળવવા દરખાસ્ત કરાઇ હતી. પરંતુ સરકારે પ્રતિભાવ પણ આપ્યો નથી.

તો આક્રમક વિરોધ પ્રદર્શન કરાશે: વિપક્ષના નેતા

મહાપાલિકામાં વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું કે મહાપાલિકામાં ભાજપની બોડી અને સચિવાલયમાં ભાજપની સરકાર માત્ર પોકળ વાતો કરે છે. નગરના વસાહતી અને આસપાસની ગ્રામ્ય પ્રજા હેરાન છે, પરંતુ ‘વહીવટ’ નહીં થવાથી કંપનીને કામ સોંપવામાં આવતું નથી. સ્થાયી સમિતિ આ મુદ્દે ઝડપી નિર્ણય નહીં કરે તો પ્રજાને સાથે રાખીને મહાપાલિકામાં જ આક્રમક દેખાવ યોજવામાં આવશે.

શહેરી બસ માટે ટેન્ડરની પ્રક્રિયા ચાલે છે: ડીએમસી

મહાપાલિકા દ્વારા શહેરી બસ સેવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે નવેસરથી ટેન્ડર કરવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવાયાનું જણાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે સરકાર સમક્ષ કરવામાં આવેલી દરખાસ્ત પર હજુ કોઇ નિર્ણય લેવાયાની સુચના મહાપાલિકાને મળી નથી.

વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો નડતર બનવાનો

પાટનગર આસપાસના ગામના હજ્જારો વિદ્યાર્થીઓ તથા નોકરિયાત અને નાના વેપારીઓ માટે શહેરી બસ સેવા વરદાનરૂપ સાબિત થયેલી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર માટે આ મુદ્દો નડતરરૂપ સાબિત થવાની શક્યતા છે.
અન્ય સમાચારો પણ છે...