કલોલની વધુ 3 સોસાયટીમાં ભૂગર્ભી આગ, રહીશોમાં હોનારતની દહેશત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: કલોલ-બોરીસણા રોડ ઉપર આવેલા બલરામ પાર્કના મકાનોના ભોંયતળિયામાંથી ગેસ ગળતરની ઘટના બહાર આવ્યા બાદ આગના લપકારા અન્ય 3 સોસાયટી સુધી પ્રસર્યા છે. તેના પગલે બોરીસણા રોડ ઉપર આવેલી સોસાયટીના રહીશોમાં અચાનક હોનારત થવાની દહેશત ફેલાઇ છે.
રાંધણગેસ અને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો
ગઇ કાલ સુધી એક સોસાયટીનો પ્રશ્ન હતો. તે પછી બીજા દિવસે વધુ 3 રહેણાંક વિસ્તાર અને રોડ ઉપરના શોપિંગ સેન્ટરોની દુકાનોમાં પણ ગેસ લિકેઝ થતો હોવાનું બહાર આવી રહ્યું છે. બલરામ પાર્કના મકાનોમાં જ્વલનશિલ વાયુનું ગળતર થઇ રહ્યું છે. તેની ગંભીરતાને લક્ષમાં લઇ કલેક્ટરના આદેશથી સોસાયટીમાં રાંધણગેસ અને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3 ફાયર ફાયટર સાથે લાશ્કરો અને પીસીઆર વાન સાથે પોલીસને તહેનાત કરી દેવાઇ છે.
તપાસ સાથે સંશોધન હાથ ધર્યુ
આ ઉપરાંત ઓએનજીસી તેમજ સાબરમતી ગેસ લાઇનના અધિકારીઓને સ્થળ પર બોલાવી તપાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો. તેના આધારે નિષ્ણાતો દ્વારા ગેસ લિકેઝ ક્યાંથી થઇ રહ્યો છે અને તે ગેસ કેવા પ્રકારનો છે તેની તપાસ સાથે સંશોધન હાથ ધર્યુ છે. ઓએનજીસી સહિતની સંબંધિત એજન્સીઓના નિષ્ણાંત અને ટેકનિકલ સ્ટાફ દ્વારા ગેસ ગળતરનું મૂળ શોધવાના ચક્રો યુધ્ધના ધોરણે ગતિમાન કરાયા છે. મંગળવારે સવારથી હાથ ધરાયેલી તપાસમાં બોરીસણા રોડ ઉપર આવેલી અન્ય 3 સોસાયટીના રહીશો પણ તપાસ ટીમ પાસે આવી પહોંચ્યા હતાં અને તેમના ત્યાં પણ ગેસ નિકળી રહ્યો હોવાની રજૂઆત કરી હતી.
અમદાવાદથી અધિકારીઓ દોડી આવ્યા
‘દિવ્ય ભાસ્કર’ની ટીમે મંગળવારે સ્થળ મુલાકાત લીધી હતી. ત્યારે કલોલ-બોરીસણા મુખ્ય રોડના શોપિંગ સેન્ટરની અનેક દુકાનોના પગથિયામાં દિવાસળીની કાંડી ચાંપતાની સાથે આગનો ભડકો થયો હતો. ગેસના પ્રેશરથી પગથિયા અને ઓટલાના પથ્થરો સાંધામાંથી છૂટા પડી રહ્યાં છે. તેમાં દિવાસળી ચાંપતા આગ લપકારા મારતી હતી.
વધુ કઇ સોસાયટીમાં ગેસ ગળતરની અસર

બલરામ પાર્ક પછી સત્યમ એસ્ટેટ રેસીડેન્સી, શિવમ પ્લાઝાના વિભાગ એ અને ડી તેમજ મુખ્ય રોડ ઉપરના શોપિંગ સેન્ટરની દુકાનોમાં ગેસ ગળતર જોવા મળ્યુ છે.

કઇ કઇ એજન્સીઓ તપાસમાં જોડાઇ

ઓએનજીસીના અમદાવાદ અને કલોલ ખાતાની કચેરીના અધિકારીઓ તેમજ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની ઓપરેશન ટીમ, જીએસપીસી, સાબરમતી ગેસ કંપની અને કલોલ નગરપાલિકાની ગટર અને પાણી પુરવઠા વિભાગની ટીમો દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ઓએનજીસી દ્વારા 120 મિટર લંબાઇમાં 4 ફૂટ ઉંડુ ખોદાણ કરીને ઓઇલ તેમજ ગેસ લાઇનની શોધ શરૂ કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી.
અમદાવાદથી અધિકારીઓ દોડી આવ્યા આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...