મોન્સુન પ્લાન: નદી કાંઠાનાં 40 ગામડાને એલર્ટ રાખવા તાકીદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પુર-વરસાદી પાણીના નિકાલની આગોતરી કવાયતનો તંત્રમાં ધમધમાટ

ગાંધીનગર: ભારે ચોમાસા દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં પણ પૂરની સ્થિતિ સર્જા‍વાની વાત નવી નથી. ત્યારે નદી કાંઠાના ગામોમાં તથા જે ગામો આસપાસ તળાવ આવેલા છે તેવા વિસ્તારોમાં બેટની સ્થિતિનું સર્જન થાય છે. આ વખતે પણ ભારે વરસાદ પડે તો તે નદી કાંઠાના 40થી વધુ ગામો માટે આફતરૂપ પુરવાર થાય તેમ હોવાથી પુર-વરસાદી પાણીના ત્વરિત અને યોગ્ય નિકાલ માટે તંત્રે આગોતરી કવાયત શરૂ કરી છે. આપતિ વ્યવસ્થાપન માટે કલેકટર દ્વારા આગોતરા આયોજન કરવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

અગાઉના ચોમાસામાં અસરગ્રસ્ત બનેલા ગાંધીનગર તાલુકાના છાલા અને ચંદ્રાલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારો, કલોલ તાલુકાના મોટીભોંયણ તથા શહેરના પૂર્વ વિસ્તાર, કપિલેશ્વર મહાદેવ અને જીઇબી સબ સ્ટેશન વિસ્તાર, માણસા તાલુકામાં સુજલામ સુફલામ કેનાલ વિસ્તાર માટે પણ સજાગ રહેવા અધિકારીઓને કહેવામાં આવ્યું હતું. ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં અગાઉના ચોમાસાના અનુભવો સંદર્ભે વરસાદ, પુર અને વાવાઝોડા જેવી કુદરતી આપતિ દરમ્યાન જાનહાનિ કે, નુકશાન ન થાય તે માટે તમામ સુરક્ષા પ્રબંધ કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.

ગ્રામજનોને અગાઉથી ચેતવણી આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા અને લાયઝન અધિકારીઓ સંબંધિત વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરતા રહે તેવું આયોજન કરવા કલેકટરે અધિકારીઓને તાકીદ કરી હતી. વરસાદી પાણી ભરાય ત્યારે તેનો ઝડપથી અને યોગ્ય દિશામાં નિકાલ થાય તે માટે ભૂતકાળના અનુભવો ધ્યાને રાખવા પણ કહ્યું હતું.
બે મહિનાનો અનાજ પુરવઠો અપાશે

જિલ્લામાં નદી કિનારે આવેલા 40 ગામ પૈકી દહેગામ તાલુકામાં ખારી નદી કિનારે 8 ગામ, વાત્રક નદી કિનારે 7 ગામ અને મેશ્વો નદી કિનારા પર 25 ગામ આવેલા છે. આ ગામો અને વિસ્તારો માટે વધારાનો ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આ ગામોમાં બે મહિના ચાલે તેટલો અનાજ સહિતનો પુરવઠો પહોંચાડવા સૂચના અપાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...