ગાંધીનગર: ઉનાનાં સમઢીયાળા ગામે દલીત યુવાનો પર અત્યારનાં વિરોધમાં રાજયભરમાં દલીત સમાજ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. દલિત સમાજનાં આ ઘટનાને લઇને વધી રહેલા રોષ વચ્ચે દલીત પેન્થર સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. ગાંધીનગર જિલ્લામાં આ એલાનને ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. કલોલમાં તથા દહેગામમાં એલાનને લઇને દેખાવો તથા ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં ગુજરાતબંધના એલાનને મિશ્ર પ્રતિસાદ: કલોલમાં તથા દહેગામમાં દેખાવો કરીને બજારો બંધ કરાવાયા
દલીત સમાજનાં બંધનાં એલાનને લઇને બુધવાર સવારથી જ શહેર પોલીસ સક્રિય બની ગઇ હતી. દરેક પીસીઆસ વાનને સુચના આપવા સાથે સ્થાનિક પોલીસને પણ સક્રિય રાખવામાં આવી હતી. શહેરમાં સવારથી જ રાબેતા મુજબ બજારો તથા શૈક્ષણીક સંસ્થાનો કાર્યરત રહ્યા હતા. જો કે બપોરે 12 વાગ્યાનાં અરસામાં સેકટર 21નાં માર્કેટમાં કેટલાક યુવાનો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો મેસેજ પોલીસે મળી જતા પોલીસને જોઇને આ યુવાનો ફરાર થઇ ગયા હતા. આ કિસ્સાને બાદ કરતા પાટનગર સંપૂર્ણ ધમધમતુ રહ્યુ હતુ. જયારે માણસા શહેરમાં પણ બંધની કોઇ અસર જોવા મળી નહોતી.
-કલોલમાં હાઇ-વે પર ચક્કાજામ કરાયો
કલોલમાં બંધનાં એલાનની ઘેરી અસર જોવા મળી હતી. સવારે લવલી ચોકથી રેલી સ્વરૂપે નિકળીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. બપોરે દલીત સમાજનાં યુવાનોએ મહેસાણા હાઇ-વે પર સિંધબાદ હોટેલ પાસે ઉતરી આવ્યા હતા. હાઇ-વે પર બેસી જઇને વાહનોની આડસ ગોઠવીને ચક્કાજામ કરીને ઉગ્ર સુત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો. જેનાં કારણે માર્ગની બંને તરફ ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી. પોલીસે યુવાનોને આગેવાનોની સાથે રાખીને સમજાવીને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. ત્યાર બાદ સુત્રોચ્ચાર સાથે નિકળેલા યુવાનો દ્વારા નવજીવન રોડ પર તથા સ્ટેશન રોડ પરની દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
-દહેગામમાં દલિતોની વિનંતીથી બજારો બંધ રહી
દહેગામનાં વેપારીઓએ સવારથી જ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. કેટલાક વેપારીઓએ અર્ધખુલ્લી દુકાનોથી વેપાર ચાલુ રાખતા દલીત આગેવાનો અને યુવાનો બંધ રાખવાની વિનંતી સાથે બજારમાં નિકળતા દુકાનો બંધ થઇ ગઇ હતી. દલીત સમાજ શાળાઓમાં પહોચતા શાળાઓમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવાઇ હતી. દલીત સમાજનાં આ બંધનાં એલાનને ક્ષત્રિય ઠાકોર સેનાનાં યુવાનોએ ટેકો જાહેર કરીને પોલીસ ચોકી પાસે આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
આગળ વાંચો કોંગ્રેસની ‘સ્વાધિક્કાર’ રેલીમાં 57 પોલીસ સામે 20 કાર્યકર હાજર