• Gujarati News
  • Home Ministry Asked For Clarifications About Gujkok From Government

ગુજસીટોક બિલ અંગે કેન્દ્રીય ગૃહ વિભાગે સરકારનો ખુલાસો માગ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજસીટોક બિલ ટેલિગ્રાફ-આઈટી એક્ટ જોગવાઈ અનુરૂપ: સરકાર
ગાંધીનગર: ગુજરાતમાં બહુચર્ચિત આતંકવાદ વિરોધી કાયદા (ગુજકોક)ને અગાઉ મંજૂરી ન મળ્યા બાદ તેમાં નવા સુધારા અને નવા નામ સાથે માર્ચમાં વિધાનસભામાં પસાર કરાયેલા ગુજસીટોક બિલમાં કેન્દ્રીય કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન થવા અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની સ્પષ્ટતા માગી છે, જેની સામે સરકારે ટેકનિકલ બાબતોની સ્પષ્ટતા સાથેનો જવાબ પણ કેન્દ્રને મોકલી આપ્યો છે.
ગુજકોટોક બિલની કલમ-14 પ્રમાણે કોઈ પણ વ્યક્તિના ટેલિફોનને ઇન્ટરસેપ્ટ કરવાની સત્તા સક્ષમ અધિકારીને સોંપવાની અને તેને કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રાખવાની જોગવાઈ કરાઈ હતી. આ વિધેયક કેન્દ્રના ગૃહ મંત્રાલયમાંથી સંબંધિત વિભાગોને મોકલાયું હતું, જેમાં કેન્દ્રના આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા એવો મુદ્દો ઉપસ્થિત કરાયો હતો કે, આ પ્રકારની જોગવાઈથી કેન્દ્ર સરકારના પ્રવર્તમાન ટેલિગ્રાફ એક્ટ અને આઈટી એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન થાય છે કે કેમω? ત્યાર બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી આ બાબતની સ્પષ્ટતા માગી હતી. સરકારે જવાબમાં કહ્યું છે કે, બિલમાં જોગવાઈ મુજબ બંને કાયદાનું પાલન થશે.
સુધારાની જરૂર નથી
ટેકનિકલ મુદ્દાઓ અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા તેનો સંતોષકારક જવાબ પણ આપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો કહે છે. આ માત્ર સ્પષ્ટતા હોવાથી અને કોઈ પણ પ્રકારના સુધારા સૂચવાયા નહીં હોવાથી વિધેયકમાં સુધારા માટેની કોઈ જરૂરિયાત નથી. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારે જવાબ કરી દીધા બાદ હવે ટૂંક સમયમાં વિધેયકને મંજૂરી પણ મળી જાય તેવી શક્યતા છે.