ગુલબર્ગ કેસ: ન સરકાર જવાબદાર કે ન પોલીસ; ષડયંત્ર હોવાનો કોર્ટનો ઈનકાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગુલબર્ગ કાંડ પાછળ કોઈ જ ષડ્યંત્ર હોવાનો કોર્ટે સ્પષ્ટ ઈનકાર કર્યો છે. કોર્ટે પ્રોસિક્યુશન અને ખાસ કરીને સાક્ષીઓ તથા ભોગ બનેલાઓના વકીલ તરફથી આખી ઘટના વ્યાપક ષડ્યંત્રનું પરિણામ હોવાનું પુરવાર નથી કરી શક્યા તેમ કહ્યું છે. સાથે જ રમખાણો પાછળ સરકારની મીલી ભગત અને સ્થાનિક પોલીસતંત્રની ઇરાદાપૂર્વકની નિષ્ક્રિયતા જવાબદાર હોવાની વાતનો પણ સ્પષ્ટ ઈનકાર કરી ક્લીનચીટ આપી છે.
પુરાવા અને સાક્ષીઓ ષડ્યંત્ર પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યા

પ્રોસિક્યુશન તરફથી જે પુરાવા અને સાક્ષીઓ રજૂ થયેલા તે દરેકમાં વિરોધાભાસ, નબળાઈ અને ઉપયોગિતાની ગેરહાજરી હોવાનું નોંધી કોર્ટે આ પુરાવા-સાક્ષીઓ ષડ્યંત્ર પુરવાર કરવા નિષ્ફળ નિવડ્યા હોવાનું ઠેરવ્યું છે. ગુલબર્ગ સોસાયટી સામે સવારથી જ ટોળું ભેગું થવા માંડ્યું હતું. આ ઘટનાનો ઉલ્લેખ કરી કોર્ટે હુકમમાં નોંધ્યું કે, આ ટોળું ગુજરાત બંધનું જે એલાન આપેલું તેનો અમલ કરાવવા બહાર નીકળ્યું હતું. એ દરમિયાન બે-ત્રણ નાની ઘટના સિવાય કોઈ જ ગંભીર ઘટનાઓ નહોતી બની.

સજા માટે સરકારની રજૂઆતો પર કોર્ટની ટિપ્પણી

સરકાર પક્ષે ફાંસીની સજાની માગણી કરી હતી. આ મુદ્દે ડેઝિગ્નેટેડ કોર્ટે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા ટાંકીને આજીવન કેદની સજા કરી હતી. ફાંસીની સજા ન કરવા માટે કોર્ટે, સુપ્રીમ કોર્ટના મહંમદ જમીલુદ્દીન નિસારના કેસનો આધાર લીધો છે. આ કેસમાં આતંકવાદી કૃત્ય કરનારા જમીલુદ્દીનની ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદમાં તબદિલ કરી હતી.

કોર્ટે નોંધ્યું કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ, બેકગ્રાઉન્ડ, શિક્ષણ, ઘર-જીવન, ઠરેલપણું, માનસિક-સંવેદનશીલ સ્થિતિ, તેમજ બાદમાં તેને સમાજમાં પુન: સ્થાપનની સ્થિતિની સમીક્ષા કરવાની હોય છે. રામ પાલના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશને કોર્ટે ટાંક્યો હતો કે કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે તેને આધારે ફાંસીની સજા આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે બચ્ચનસિંઘ વિ. પંજાબના કેસમાં ફાંસી માટે અપાયેલા માપદંડોનો પણ ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પણ આરોપી" સામે 14 વર્ષથી ટ્રાયલ ચાલી રહી છે.
આરોપીઓ પાસેથી વળતરની માગ ફગાવાઈ

આરોપીઓ પાસેથી વળતર મેળવવા અસરગ્રસ્તોએ કોર્ટ સમક્ષ માગ કરી હતી. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કયા આરોપી પાસેથી કયા અસરગ્રસ્તને વળતર ચુકવવા માટે આદેશ કરવો તે સ્પષ્ટ કરી શકાય તેમ નથી. આરોપીઓ પાસેથી વળતર મેળવવા માટે અસરગ્રસ્તો દ્વારા કરાયેલી માગ બાદ કોર્ટે સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવી તેની વિગતો પણ માગવામાં આવી હતી. રાજ્યભરમાં ગોધરાકાંડના તોફાન અસરગ્રસ્તોને સરકાર મારફતે વળતર ચુકવવામાં આવ્યું હતું. તબક્કાવાર રીતે અપાયેલા વળતરમાં મૃતકના સગાને 5 લાખ જેટલું વળતર ચુકવવામાં આવ્યું હતું.
સરકાર રહેશે તો સીટ હાઈકોર્ટમાં જશે

ચુકાદો જાહેર થતાં આમ તો હવે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમનો રોલ પૂરો થાય છે, પણ "ર્ડરનો અભ્યાસ કરવામાં આવશે. તેના આધારે રાજ્ય સરકારને રિપોર્ટ કરીશું. અને રાજ્ય સરકાર કહેશે તો એસઆઈટી ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે.’ - આર. કે. રાઘવન, ચેરમેન, સીટ

ચુકાદો હાઈકોર્ટમાં પડકારીશું
‘અમે ફાંસીની સજા માગી હતી. જો તેમ નહીં તો જીવતપર્યંતની સજા કોર્ટ સમક્ષ માગી હતી. પણ કોર્ટે તે માન્ય રાખી નથી. એટલે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું.’ - આર. સી. કોડેકર, સરકારી વકીલ

આગળ વાંચો શંકાનો લાભ આરોપીને ન મળ્યો, ચુકાદો પક્ષપાતી નહીં, બલકે ન્યાયી, ચુકાદો શિરોમાન્ય, ગંભીર કલમો ન ઉમેરી
અન્ય સમાચારો પણ છે...