બૌદ્ધ ધર્મમાં જનતા ધર્મને મહત્ત્વ : રાજ્યપાલ ઓ પી કોહલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: બાબા સાહેબની 125મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ અને સંઘકાયા ફાઉન્ડેશનના ઉપક્રમે રવિવારે સવારે ટાઉન હોલ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય બુદ્ઘિષ્ટ પરિસંવાદનો રાજ્યપાલ ઓ પી કોહલીના હસ્તે પ્રારંભ કરાયો હતો.
આ સંમેલનમાં વિવિધ દેશના બૌદ્ધધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે રાજયપાલ ઓ પી કોહલીએ જણાવ્યું હતું કે, આ ધર્મમાં અહિંસા અને જનતા ધર્મને મહત્વ આપવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મ મધ્યમવર્ગનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. જનતાની ભાષાને પ્રાધાન્ય આપ્યું છે. આ ધર્મમાં વિષમતા જોવા મળતી નથી, વ્યક્તિની નૈતિકતા અને ચારિત્ર્ય ઉત્થાન પર ભાર મુકવામાં આવ્યો છે. ધર્મ થકી મૂર્તિકળાને પણ ભારે પ્રોત્સાહન મળ્યું છે.
વધુમાં કહ્યું હતું કે ગૌત્તમ બુદ્ધ 29 વર્ષના હતાં, ત્યારે તેમણે ગૃહત્યાગ કર્યો હતો. સાધના માટે નીકળી પડ્યાં હતાં. 6 વર્ષ સુધી આકરી સાધના કરી બૌદ્ધધર્મની સ્થાપના કરી હતી. બૌદ્ધધર્મ ભારત દેશની સીમાઓ પાર કરીને દક્ષિણ એશિયા, ચીન, શ્રીલંકા, જાપાન, કોરિયા જેવા અનેક દેશોમાં ફેલાયો છે. બૌદ્ધધર્મના પ્રચારમાં ભારતીય રાજાઓ અશોક સમ્રાટ, રાજા કનિષ્ક, રાજા હર્ષવર્ધનનો મહત્વનો ફાળો રહ્યો છે ઉપરાંત પાલીવંશ જેવા અનેક રાજાઓએ આ ધર્મ અપનાવી તેના પ્રચારમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું.
થાઇલેન્ડના નલીન થૌને, સંઘકાયા ફાઉન્ડેશનના ફાઉન્ડર સેક્રેટરી ભન્તે પ્રશિલ રત્ના, ગુજરાત પ્રવાસન નિગમના એમડી નિત્યાનંદ શ્રીવાસ્તવ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર સચિવ કમલ દયાની, કમ્બોડિયાના પ્રિન્સ રોડોમ થાનારો સહિત દેશ- વિદેશના બૌદ્ધધર્મના અનુયાયી આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
મોદીની ગુજરાતમાં બૌદ્ધ સરકિટ બનાવવાની ઇચ્છા
વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બૌદ્ધ ધર્મની સરકીટ બનાવવા ઇચ્છી રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં આવેલા બૌદ્ધધર્મ સ્થાન સહિત રાજયમાં અનેક સ્થળોએ આવેલા બૌદ્ધધર્મની વિરાસત માટે ઘણા આયોજન વિચારણામાં છે.

ગુજરાત બૌદ્ધધર્મનું ધરોહર છે: રાજ્યપાલ

ગુજરાત રાજ્ય બૌદ્ધધર્મનું ધરોહર રહ્યું છે. વડનગર તેનું કેન્દ્ર રહ્યું છે. ચીની બૌદ્ધ મુસાફર વાન સાનકીએ પોતાના પુસ્તકમાં ગુજરાતમાં બૌદ્ધધર્મની વિરાસતનો ઉલ્લેખ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...