• Gujarati News
  • Gujarat Four Minister Commity Create For Narmada Cenal Work Supervision

નર્મદા કેનાલનાં કામો પર દેખરેખ માટે મંત્રીઓને ફિલ્ડમાં દોડાવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીતિન પટેલની આગેવાનીમાં 4 મંત્રીની કમિટી રચી

ગાંધીનગર : નર્મદા યોજનાના કામોમાં થઇ રહેલા વિલંબના મુદ્દે વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહ્યો છે ત્યારે હવે આ મુદ્દે મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને દોડતા કરવા પડ્યા છે. મંત્રીમંડળના તમામ સભ્યોને મુખ્યમંત્રીએ નર્મદાના કામો પર નજર રાખવાની જવાબદારી સોંપી છે. મંત્રીઓને જુદા જુદા વિસ્તારો સોંપવામાં આવ્યા છે અને તે વિસ્તારમાં ચાલતી કેનાલની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લઇને કામગીરીમાં થતા વિલંબ અને તેને નીવારવા માટેના પગલાં સૂચવવાના રહેશે.

કામોની પ્રગતિની સમીક્ષા માટે પણ આરોગ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને ચાર મંત્રીઓની સમિતિની રચના કરાઈ છે. જેમાં બાબુ બોખીરિયા, સૌરભ પટેલ અને વિજય રૂપાણીનો સમાવેશ કરાયો છે. કેનાલના કામો માટે દર વર્ષે હજારો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે છતાં કેનાલના કામોમાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ઘણી વખત કોન્ટ્રાક્ટરો દ્વારા કામમાં વિલંબ થતો હોય છે જ્યારે ક્યાંક જમીન સંપાદનમાં અવરોધ આવવાને કારણે પણ કામ આગળ ચાલી શકતું નથી જેથી આ સમસ્યા દૂર કરવા માટે મંત્રીઓને જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ મંત્રીઓએ પોતાને સોંપાયેલા વિસ્તારમાં ચાલતા કામોની પ્રત્યક્ષ મુલાકાત લઇને ક્યાં કઇ મુશ્કેલી છે, કામમાં કેમ વિલંબ થઇ રહ્યો છે. ખેડૂતો કે ગ્રામજનોની શું સમસ્યા છે તે તમામ બાબતોની જાણકારી મેળવીને મંત્રીઓની કમિટીને રિપોર્ટ કરવાનો રહેશે. આ કમિટી પછી મુખ્યમંત્રીને અહેવાલ આપશે. જેના આધારે કામોનો વિલંબ નિવારવાના પગલાં લેવાશે.