તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યની સરહદ-શહેરી વિસ્તારોમાં એલર્ટ: રૂપાણીએ સમીક્ષા બેઠક યોજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર-અમદાવાદ : ભારતના સ્ટ્રાઈક એટેકને પગલે સમગ્ર રાજ્યની સરહદ અને સંવેદનશીલ મથકો પર હાઈએલર્ટ જાહેર કરાયું છે. એટલે રાજ્યમાં આવેલી કચ્છ-ભૂજની જમીની સરહદ અને સમુદ્રી સીમા પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. સરહદી ગામોમાં પેટ્રોલિંગ અને વાહનચેકિંગ સઘન બનાવાયું છે. BSFના જવાનોને એલર્ટ રહેવા આદેશ અપાયા છે. માછીમારોને ઈન્ડિયન મરીન બોર્ડર લાઈનથી 15 નોેટિકલ માઈલ અંદર માછીમારી કરવા સુચના અપાઈ છે.

દરમિયાન પાકિસ્તાન સાથે સમુદ્રી અને ભૂમિ સરહદ ધરાવતા ગુજરાતમાં સશસ્ત્ર દળો, પોલીસ અને વહીવટી તંત્ર દરેકને સાબદું બનાવી દીધું છે. શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજ્યના નાગરિકોની સુરક્ષાની ખાતરી કરવામાં આવી હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાંયધરી આપી છે. અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા પી પી પાંડેય, ગૃહ વિભાગના અધિકારીઓ અને તમામ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાના મામલે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકના અંતે મીડિયાને સંબોધતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં સરહદથી 30 કિમીના વિસ્તારમાં કોઈ ગામ નથી.

એટલે સરહદી ગામોને ખાલી કરાવવાની આપણે જરૂર નથી. માત્ર સૂઈ ગામ નજીક છે એટલે ત્યાં બીએસએફનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.પાટણ, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વટીવટીતંત્રને સૈન્યને તમામ સહકાર આપવાની તાકીદ કરી દેવાઈ હોવાનું પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. રાજ્યના કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પાકિસ્તાનને અડીને આવેલી છે. પાકિસ્તાન સાથેની 400 કિમી વધુ લાંબી ભૂમિ સરહદને સમાંતર કચ્છનું મોટું રણ પથરાયેલું છે. જેમાં ચોમાસા, ક્રીક અને બનાસ નદીનાં પાણી ભરાયેલાં છે. રણમાં આવેલી કેટલીક સીમાચોકી પાણીથી ઘેરાયેલી છે. બનાસકાંઠાના જિલ્લાની સુઈગામ અને વાવ તાલુકાની સરહદને અડીને પાકિસ્તાનની સરહદ આવેલી છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 35 ગામને હાઈએલર્ટ કરાયા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નિરજ બડગુજરે વાવ -સુઇગામના સરહદી ગામમાં રહેતા નાગરિકોને અપીલ કરી છે કે ગામોમાં કોઇપણ શંકાસ્પદ વ્યકિત નજરે પડે તો તુંરતજ પોલીસને જાણ કરવી. ધ્રાંગધ્રામાં રહેલા આર્મી કેમ્પમાં જે જવાન રજા ઉપર હોય તેને પાછા બોલાવીને એલર્ટ રહેવા સુચના અપાઈ છે. આ ઉપરાંત, રાજ્યના કુલ 1600 કિમી લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ભારતે દુનિયાને બતાવી દીધું, અમે સક્ષમ છીએ: ઉરીની ઘટના બાદ ઈઝરાયેલની જેમ કાર્યવાહી થવી જોઈએ તેવી દેશવાસીઓની લાગણી હતી. ભારતે વિશ્વને બતાવી દીધું કે, દેશ સામે કોઈ આંખ ઊંચી કરી ન શકે, ભારત સક્ષમ છે, તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

-રાજ્યનાં આર્મી,એરફોર્સ, કોસ્ટગાર્ડનાં થાણા સાવધાન

ગાંધીનગર : ગાંધીનગર સ્થિત આર્મી, નેવી તથા એરફોર્સ પણ પોતાનાં કેમ્પસની સુરક્ષા તથા જરૂર પડ્યે બહારની સ્થિતીને પહોચી વળવા સજાગ છે. પરંતુ હાઇ એલર્ટનાં પગલે ત્રણેય પાંખોને એલર્ટ કરી દેવામાં આવી છે. જયારે ત્રણેય પાંખોનાં કેમ્પસની સુરક્ષાને લઇને પણ એલર્ટ આપવામાં આવી છે.

આગળ વાંચો સેનાના જવાનોની રજા રદ : બીએસએફ એલર્ટ કરાઈ
અન્ય સમાચારો પણ છે...