બેંકના હપ્તા નહિં ભરતા ગણેશપુરામાં પાણી બંધ કરી દેવાતા રોષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: દહેગામ પાસેના ગણેશપુરામાં આઇએચએસડીપી યોજનામાં 256 આવાસ નિર્માણ કરાયા છે. આવાસમાં રહેતા કેટલાક રહિશોએ બેંકના હપ્તા નહિં ભરતા પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં દહેગામ ચીફ ઓફિસરના આદેશથી પાણી પુરવઠો બંધ કરી દેવાતાતા સ્થાનિકોએ હોબાળો મચાવી દીધો હતો. દહેગામના ગણેશપુરામાં સરકારી યોજના હેઠળ 256 આવાસ બનાવવામાં આવ્યા છે. જેનુ લોકાર્પણ એક વર્ષ પહેલા કરવામાં આવ્યુ હતુ. પરંતુ આવાસમાં હાલ પુરતા 150 જેટલા પરિવાર વસવાટ કરી રહ્યા છે. ત્યારે બુધવારે નગરપાલિકાના ચીફ ઓફિસરે આ વસાહતમાં એકા એક પાણી પુરવઠો બંધ કરી દીધો હતો.
 
પાણી વગર એક ક્ષણ પણ કાપવી મુશ્કેલ બની જાય તેવા સમયે એકા એક આખી વસાહતમાં પુરવઠો બંધ કરી નાખતા રહીશો લાલઘુંમ થઇ ગયા હતા. બે દિવસથી પાણી પુરવઠો નહિ મળતા હાહાકાર મચી ગયો હતો. લોકોને માથે બેડા લઇને પાણી ભરવા જવુ પડતા કચ્છ જેવા દ્રશ્યો જોવા મળતા હતા. રોષે ભરાયેલા લોકોએ દહેગામના ધારાસભ્ય કામિનીબાનો સહારો લીધો હતો. 

ધારાસભ્ય તાત્કાલિક અસરથી વસાહતમાં દોડી ગયા હતા અને પુરવઠો પૂર્વવત કરાવવા કામગીરી હાથ ધરી હતી. ગણેશપુરામાં આઇએચએસડીપી યોજનામાં 256 આવાસ નિર્માણ કરાયા છે. આવાસમાં રહેતા કેટલાક રહિશોએ બેંકના હપ્તા નહિં ભરતા આવો નિર્ણય લેવાતા રહીશોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.  

મારી જાણ બહાર પુરવઠો બંધ કરાયો : નગર પાલિકા પ્રમુખ
દહેગામ નગર પાલિકાના પ્રમુખે કહ્યુ કે મારી તબિયત સારી નહિ હોવાના કારણે હુ ચાર દિવસથી હોસ્પિટલમાં છુ. એટલે આ બાબતની મને જાણ નથી. આ બાબતે તપાસ કરાવીશુ. પાણી આવશ્યક સેવાઓમાં આવતુ હોવાથી તે બંધ કરી શકાય નહીં.

જે લોકો રહેવા આવ્યા નથી તેમના જ હપ્તા બાકી છે 
દહેગામના ધારાસભ્યએ કહ્યુ કે વસાહતમાં 40 જેટલા લોકો રહેવા આવ્યા નથી અને તેમના જ હપ્તા બાકી છે. જ્યારે અહિંયા રહેતા લોકો નિયમિત હપ્તા ભરી રહ્યા છે. પરંતુ પાલિકા લોકોને હેરાન કરી રહી છે. વસાહતુ બાંધકામ નબળુ હોવાથી રોજ પ્લાસ્ટર તુટી રહ્યુ છે. પાલિકાએ ભ્રષ્ટાચાર કરીને પણ માજા મુકી છે. - કામિનીબા  રાઠોડ, ધારાસભ્ય

5 માસથી હપ્તા ભર્યા નથી 
પાણી પુરવઠો બંધ કરી દેવાની બાબતમાં ચીફ ઓફિસર સતિષ પટેલે કહ્યુ કે આવાસના લાભાર્થીઓને મકાનની લોન મળી રહે તે માટે થર્ડ પાર્ટી જામીન તરીકે પાલિકા છે. 151 લાભાર્થીઓએ દેંના બેંકના એક હજારના 5 હપ્તા ભર્યા નથી. પરિણામે પુરવઠો બંધ કરવો પડ્યો છે. આજથી પુરવઠો શરૂ કરી દેવાશે- સતીષ પટેલ, પાલિકા ચીફ ઓફિસર