• Gujarati News
  • Gandhinagar Maha Palica Demand 40 Bus For City Bus Service

ગાંધીનગર: સિટી બસ સેવા માટે સરકાર પાસે 40 બસ મગાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સુવિધા: રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં જનવાહિની બસ સેવા અંતર્ગત 1 હજાર બસ ખરીદવાની યોજના અમલી બનાવાઇ છે
-17મીએ મળનારી સામાન્ય સભામાં કોર્પોરેટના પગાર ભથ્થા મુદ્દે ઠરાવ કરાશે
ગાંધીનગર: રાજ્યનું પાટનગર હોવા છતાં અને બાકી હતી તે મહાપાલિકા પણ કાર્યરત થઇ જવા છતાં ગાંધીનગરમાં સિટી બસની યોગ્ય અને લોકોને સંતોષ થાય તેવી સુવિધા ઉભી કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે મહાપાલિકાએ પોતાની જ બસ સેવા અમદાવાદ કોર્પોરેશનની જેમ ચલાવવા માટે કમર કસી છે. તેના માટે રાજ્ય સરકાર પાસે 40 બસની માગણી કરવાનો ઠરાવ આગામી તા. 17મીએ મળનારી સામાન્ય સભામાં કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સામાન્ય સભામાં કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચનો લાભ આપવા અને કોર્પોરેટરોને પગાર ભથ્થામાં વધારો આપવા સંબંધી ઠરાવ પણ કરવામાં આવશે.

સરકાર દ્વારા રાજ્યભરના મહાનગરોમાં વ્યાજબી અને સુલભ સિટી બસની સેવા ઉભી કરવા માટે જનવાહિની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે અને તેના સંબંધમાં 1 હજાર બસ ખરીદવા માટે સરકારના બજેટમાં નાણાની જોગવાઇ પણ કરવામાં આવી છે. થોડા સમય પહેલા આ યોજના અંતર્ગત ગાંધીનગર મહાપાલિકાને 10 બસ ફાળવવાના મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી.

જો કે સરકાર માત્ર 10 બસ ફાળવે તો તેનાથી નગરના પરિવહનની વ્યવસ્થામાં કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. કેમ કે તેનાથી વધુ સંખ્યામાં તો અહીં ખાનગી ઓપરેટર દ્વારા બસ ચલાવવામાં આવે છે. સાથે જ મહાપાલિકા પણ સિટી બસ ચલાવે અને ખાનગી ઓપરેટરની બસ સર્વિસ ચાલતી રહે તે પ્રકારેનું આયોજન શક્ય બને તેમ નથી. આ સંજોગોમાં મહાપાલિકા પોતે જ એએમટીએસના જેવું માળખુ ઉભુ કરે અને કેટલા રૂટ ચલાવવા અને દરેક રૂટ પર કેટલી ટ્રીપ કયા સમયે ચલાવવી તે સહિતની તમામ ગોઠવણ તથા તેના સંચાલન માટે વ્યવસ્થા તંત્ર પણ મહાપલિકા ઉભુ કરે તે મુદ્દા પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવ્યા પછી આ દિશામાં આગળ વધવા મ્યુનિસિપલ કમિશનર ચૌધરી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

પરિણામે આગામી તા. 17મીએ મળનારી સામાન્ય સભામાં આ મુદ્દે ઠરાવ કરવાની સાથે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે 40 બસની માગણી કરવા માટેની કવાયત શરૂ કરાશે. સાથે જ કોર્પોરેટરના પગાર ભથ્થા 3 હજારથી વધારીને 4500 કરવા સંબંધે સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરીને ઠરાવ કરવામાં આવશે. તેવી રીતે 98 જેટલા મહાપાલિકાના કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચનો લાભ આપવાનાં મુદ્દે પણ સામાન્ય સભામાં આખરી નિર્ણય લેવાઇ જશે.