ગાંધીનગર : ઉના તાલુકાના સમઢિયાળા ગામના દલિત યુવાનોને અમાનુષિ માર મારવાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યઘાતો પડ્યા છે. નિર્દોશ યુવાનોને માર મારવા સામે રાજ્યનો દલિત સમાજ લાલઘુંમ થઇ ગયો છે. આ ઘટનાને અંજામ આપનાર દોષિયોને ફાંસીના માચડે લટકાવવા સુધીની માંગ કરી છે. મંગળવારે સમગ્ર રાજ્યમા દલિત સમાજ દ્વારા ધિક્કાર રેલીનુ આયોજન કર્યુ હતું. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પાસે મોટી સંખ્યામાં દલિત સમાજ એકઠો થયો હતો અને સંમેલન કર્યુ હતું. પરંતુ પોલીસ દ્વારા રેલીને મંજુરી આપવામા આવી ન હતી.
દલિતોને રેલી માટે મંજૂરી નહી મળતા સત્યાગ્રહ છાવણીમાં સભા ભરાઇ
શહેરના સેક્ટર 6માં આવેલા સત્યાગ્રહ છાવણીમાં મંગળવારે દલિત સમાજ દ્વારા ધિક્કાર રેલીનુ આયોજન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામા દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં. સમાજના આગેવાન ડી ટી પરમારે કહ્યું કે રાજ્યમાં દલિતો ઉપર વારંવાર હુમલાઓ થઇ રહ્યા છે. ત્યારે સમાજે એક થઇને લડવુ પડશે. ગૌ હત્યાના નામે આરએસએસ, વીએચપી, બજરંગદળ અને શિવસેના દ્વારા દલિતો ઉપર અત્યાચાર કરાય છે, તે ગુજરાત માટે લાંછન રૂપ છે. સંઘ પરિવારના મોડેલ રાજ્યના ધજિયા ઉડાડી દીધા છે.
આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન આપવામા આવ્યું હતું જેમાં હુમલાખોરો સામમે કડક કાર્યવાહી કરવામાં આવે. દલિતોના આત્મરક્ષણ માટે હથિયાર પરવાના આપવાની માંગ કરી હતી. સમાજના નામે મત લઇને મંત્રી બનનાર સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણ વોરાના રાજીનામાની માંગ કરી હતી. એક સપ્તાહ પછી ઘટનાને વખોડી કાઢવામાં આવે છે અને ફરીથી આવુ ના બને તેવુ કહેનાર મંત્રીએ રાજીનામુ આપી દેવુ જોઇએ. જય ભીમના નારાઓ ગુજ્યાં હતાં. ધિક્કાર રેલી માટે લોકો એકઠા થયા હતા પરંતુ પરંતુ રેલીને પોલીસે મંજુરી આપી ન હતી. માત્ર સંમેલન કરવુ પડ્યું હતું.
-શહેરમાં પોલીસના ધાડે ધાળા ઉતાર્યા
ઉના તાલુકામાં બનેલી ઘટનાએ દલિત સમાજના રૂવાડા ખડા કરી નાખ્યા છે. આ બનાવથી સૌરાષ્ટ્ર ભળભળ સળગી રહ્યું છે. દલિત સમાજ લાલઘુમ થઇ ગયો છે. પાટનગર દલિતોની ઝાળમાં ના આવી જાય માટે એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ સહિત 200થી વધુનો કાફલો ખડકી દેવામા આવ્યો હતો.