સરગાસણમાં નકલી કોલ સેન્ટર પકડાયું, ચાર શખ્સની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
 
ગાંધીનગર: અમદાવાદમાં બોગસ કોલ સેન્ટર ચલાવીને અમેરીકન નાગરીકો પાસેથી પૈસા પડાવવાનાં કારસ્તાન સામે આવ્યા બાદ ગાંધીનગર શહેર તથા આસપાસનાં વિસ્તારોમાંથી પણ બોગસ કોલ સેન્ટરો પકડાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગર પાસેનાં સરગાસણની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતા બોગસ કોલ સેન્ટરને પકડવામાં ઇન્ફોસીટી પોલીસને સફળતા મળી છે. જેમાં પોલીસ દ્વારા 4 શખ્સોની રૂ. 1.02 લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે 10 કોમ્પ્યુટર સહિત રૂ. 1.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સીનીયર પીએસઆઇ ડી બી વાળા સ્ટાફ સાથે પેટ્રોલીગમાં હતા ત્યારે સરગાસણની સીમમાં આવેલા રંગોલી ફાર્મ હાઉસમાં બોગસ કોલ સેન્ટર ચાલતુ હોવાની બાતમી મળી હતી. પીએસઆઇ વાળાએ સ્ટાફનાં જવાનો જયદિપસિંહ, હરપાલસિંહ, રસીકભાઇ, નરેન્દ્રસિંહ તથા રવિન્દ્રભાઇને સાથે રાખીને બુધવારે સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોચી તો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો ખખડાવતા રીઝવાન કમરૂદીન શેખ (રહે સેકટર 4, પ્લોટ નં 191-1)એ દરવાજો ખોલ્યો હતો.

પોલીસે અંદર તપાસ કરતા 10 કોમ્પ્યુટર સહિતની જરૂરી સવલતો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રીઝવાન કમરૂદીન શેખ તેમનાં ભાઇ હનીફ ઉર્ફે બોડો કમરૂદીન શેખ, સુહાગ ઉર્ફે ગોપાલ કિર્તીભાઇ વ્યાસ(રહે આઇ-9, રજની ફ્લેટ, વેજલપુર, અમદાવાદ) તથા કરણ વિમલેશ ગલ(રહે રંગોલી ફાર્મ, મુળ રહે જયશ્રીનગર, જુનાગઢ શહેર)ની અટકાયત કરીને પુછપરછ કરતા બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાની કબુલાત કરી હતી.

યુએસનાં નાગરીકોની લોનની વિગતો મેળવી લઇને લોન નહી ભરે તો કાર્યવાહી કરવાની બીક બતાવીને જુદી જુદી રીતે પૈસા પડાવતા હતા. પોલીસનાં જણાવ્યાનુંસાર કરણ વિમલેશ ગલ મુખ્ય સુત્રધાર છે. જયારે બંને શેખભાઇઓ પણ તેમની સાથે જોડાયા હતા. પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...