ગાંધીનગર : ઉનાના સમઢીયાળા ગામે દલિત સમાજનાં યુવાનોને માર મારવાની બનેલી ઘટનાનાં વિરોધમાં સમગ્ર રાજયમાં દલીત સમાજમાં રોષ છે. ગુજરાત દલિત પંચાયત પરીષદ દ્વારા દલિત યુવાન પર આ હુમલાની ઘટના સામે વિરોધ પ્રદર્શીત કરવા માટે મંગળવારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધિક્કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. દલિત સમાજનાં આગેવાનો-યુવાનો આ રેલીને લઇને શહેરનાં ઘ-3 સર્કલે પોસ્ટર લગાવી રહ્યા હતા ત્યારે શહેરનાં એક યુવકે પોસ્ટર સામે વાંધો ઉઠાવીને બોલાચાલી કરી પોસ્ટર બળજબરીથી હટાવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો.
-મામલો સેકટર 7 પોલીસ સ્ટેશન પહોચ્યો : મોડી રાત્રે ફરીયાદ નોંધવાની તજવીજ
ઘટના મારામારી સુધી પહોચતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. મોડી સાંજે ફરીયાદ નોંધવાની પ્રર્કિયા હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં સમઢીયાળા ગામે મૃત ગાયોનું ચામડુ ઉતારી રહેલા દલિત યુવાનો કહેવાતા ગૌ રક્ષકો દ્વારા અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. દલીત યુવાનો પર હુમલાની આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજયમાં દલિત સમાજમાં આ ઘટનાને લઇને ભારે રોષ નિર્માણ થયો છે. જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શિત કરીને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાનાં વિરોધમાં ગુજરાત દલિત પંચાયત પરીષદ દ્વારા તા 19મીને મંગળવારનાં રોજ ગાંધીનગરમાં ધિક્કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.
-ઘ-3 સર્કલે પોસ્ટર લગાવવા મુદ્દે યુવકે વાંધો ઉઠાવતા મામલો મારામારી સુધી પહોચ્યો
આ રેલીને લઇને ગાંધીનગરનાં દલીત યુવાનો તથા આગેવાનો જગદીશભાઇ પરમાર, અશોકભાઇ શ્રીમાળી, અતુલભાઇ પરમાર તથા હિતેષભાઇ ઝાલા સહિતનાં લોકો શહેરનાં ઘ-3 સર્કલે રેલીને લગતુ પોસ્ટર સોમવારે સાંજે લગાવી રહ્યા હતા. ત્યારે આશુતોષ યોગેશભાઇ શુક્લ નામનો શહેરનો યુવાન ત્યાંથી પસાર થતા આ પોસ્ટર જોઇ જતા ત્યાં આવીને વાંધો ઉઠાવ્યો હતો. દલીત આગેવાનોએ સમજાવવાનો પ્રયાસ કરતા આશુતોષે બળજબરીથી પોસ્ટર ઉતારવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો અને બોલાચાલી બાદ ઘટના મારામારી સુધી પહોચી ગઇ હતી. જેમાં આશુતોષને ઇજાઓ પણ થઇ હતી. જાહેરમાં આ ઘટનાને લઇને આસપાસથી લોકો ટોળે વળવા માંડ્યા હતા.
આખરે સમગ્ર મામલો સેકટર 7 પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. આ ઘટનાની જાણ થતા દલીત સમાજનાં આગેવાનો તથા બ્રહ્મ સમાજનાં આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને સમાધાનનો પ્રયાસ થયો હતો. પરંતુ રાત્રે 10 વાગ્યા સુધી કોઇ નમતુ જોખવા તૈયાર ન થતા પોલીસે ફરીયાદ લેવાની શરૂઆત કરી હતી. જેમાં દલીત સમાજનાં આગેવાન જગદીશભાઇ પરમારે આશુતોષ યોગેશભાઇ શુક્લ સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરીયાદ નોંધાવી હતી. જયારે સામે પક્ષે આશુતોષને માર માર્યાની ફરીયાદ નોંધાવવા તાજવિજ હાથ ધરી હતી.
કલોલમાં દલિત સમાજ દ્રારા આવેદન
કલોલ સમગ્ર દલિત જાગૃત યુવાનો દ્વારા કલોલ મામલતદારને આવેદન પત્ર આપીને ઉનામાં દલીત સમાજનાં યુવાનો પર થયેલા અમાનુષી હુમલાને વખોડી કાઢ્યો હતો. આવેદનમાં જણાવ્યું હતુ કે ગ્રામ્ય વિસ્તારોમાં એકલ દોકલ વસતા દલીત સમાજનાં વંશ પરંપરાગત ધંધાને ગૌ હત્યામાં ખપાવીને આચરવામાં આવતા અત્યાચારને રોકવા નમ્ર વિનંતી છે. હવે આવા હુમલાઓ થશે તો ઉગ્ર આંદોલનની ફરજ પડશે.
સંગીતા ચાડવાનાં નિવેદને બંને સમાજને સામે સામે લાવી દીધા
ઉનામાં દલીત યુવકો પર હુમલાની ઘટના બાદ સમગ્ર દલીત સમાજ રોષ સાથે આરોપીઓ સામે પગલા લેવાની માંગ કરી રહ્યો હતો. પરંતુ તેનાં થોડા દિવસો બાદ સ્થાનિક આમ આદમી પાર્ટી હોદેદાર સંગીતા ચાંડવા દ્વારા આ ઘટનાની આપવામાં આવેલી પ્રતિક્રીયામાં બ્રહ્મ સમાજ સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જેને લઇને બ્રહ્મ સમાજે તેની સામે રોષ વ્યક્ત કરી પગલા લેવાની માંગ શરૂ કરી દીધી હતી. ચાંડપાનાં આ નિવેદનથી બ્રાહ્મણો દલીત વિરોધી હોવાનો માહોલ નિર્માણ થયો હતો. જયારે સામે બ્રહ્મ સમાજમાં પણ આવી જ લાગણી નિર્માણ થઇ હતી. ત્યારે પોસ્ટરને લઇને આ બબાલ પાછળ જાતિવાદનો પછડાયો ઉભો થયો છે.