સરકારી શાળાનાં 4463 વર્ગખંડોમાંથી માત્ર 82માં જ સીસીટીવી કેમેરાની સુવિધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: દિલ્હીની રેયાન સ્કુલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શાળાઓમાં બાળકોની સુરક્ષાનાં મુદ્દે ભારે ચર્ચા જાગી હતી. ત્યારે ગુજરાત સરકારે પણ રાજયની તમામ સરકારી તથા ખાનગી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ સમગ્ર જિલ્લાઓની શાળાઓ પાસેથી માહિતી માંગીને રીપોર્ટ તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની કુલ 592 સરકારી પ્રા.શાળાઓમાંથી 11 શાળાઓમાં સીસીટીવી કેમેરા લાગેલા હોવાનું સામે આવ્યુ છે. જયારે કુલ વર્ગ ખંડોની સંખ્યા 4463 છે. ખાનગી શાળાઓનો ચોકકચ રીપોર્ટ શિક્ષણ વિભાગ પાસે પણ નથી !


જિલ્લામાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાનું જાહેરનામુ સમયાંતરે બહાર પડતુ રહે છે અને પોલીસ દ્વારા તેની અમલવારીની દિશામાં પણ તપાસ થતી રહે છે. પરંતુ સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા અંગે કોઇ જ નિયમ નહોતો. હા, ખાનગી શાળા-કોલેજોમાં હવે મંજુરી આપતી વખતે જ સીસીટીવી ફરજીયાત કરવામાં આવે છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં કેટલી શાળાઓ છે, કુલ કેટલા વર્ગ ખંડો છે ? કેટલી શાળાઓમાં સીસીટીવી છે ? કેટલી શાળાઓમાં જરૂરીયાત છે ? તે સબબને રીપોર્ટ મંગાવવામાં આવ્યો હતો.

 

જિલ્લામાં પણ આ અંતર્ગત તપાસ કરીને રીપોર્ટ કરી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે જિલ્લામાં કુલ 592 સરકારી પ્રાથમિક શાળા છે. જેમાં 1.27 લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કુલ વર્ગખંડોની સંખ્યા 4463 થવા જાય છે. જેની સામે 82 જ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા છે. અને તે પણ જે તે ગામનાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા કે ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા છે. જે પ્રમાણે જિલ્લામાં કુલ 4381 વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાની જરૂરીયાત છે. જે રીપોર્ટનાં આધારે શિક્ષણ વિભાગ ટેન્ડરીંગથી સીસીટીવી ઇન્સ્ટોલેશન માટે આગળની પ્રક્રીયા હાથ ધરશે.

 

282 ખાનગી શાળાઓ, CCTV કેટલામાં ?


ગાંધીગનર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી હેઠળ ગાંધીનગર જિલ્લા તથા અમદાવાદનાં કેટલાક વિસ્તારમાં મળીને કુલ 282 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ છે. પરંતુ કેટલી ખાનગી શાળાઓમાં સીસીટીવી કેમેરા છે તે અંગે ચોક્કચ આંકડો નથી. પરંતુ મોટાભાગની ખાનગી શાળાઓમાં કેમેરા હોવાનું ઇન્ચાર્જ ડીપીઇઓ કિરણબેને જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...