તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબાના સ્થળે કેમેરા-મેટલ ડિટેકટર ફરજિયાત, રાત્રે 12ના ટકોરે બંધ કરી દેવાની તાકીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : પાટનગરનું યુવાધન નવરાત્રીના સાજ શણગાર માટે થનગનવા લાગ્યું છે. ત્યારે શક્તિની આરાધનાનાં દિવસોમાં સર્વ પ્રકારે સલામતી અને શાંતી જળવાય રહે તેના માટે પોલીસ પણ સજ્જ થઇ રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં યોજાતા અર્વાચિન દાંડીયાના સ્થળો પર સ્વાભાવિક જ સુરક્ષા પ્રબંધોના મામલે પોલીસ કસર છોડવા માગતી નથી. પરિણામે ગરબાના પ્રવેશ દ્વાર પર સીસી ટીવી કેમેરા અને મેટલ ડિટેકટર લગાડવાનું ફરજિયાત કરવાની સાથે આ બન્ને સુવિધા ન હોય તો ગરબાના આયોજનની મંજૂરી રદ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર જિલ્લામાં આયોજકો સુરક્ષાના સાધન નહીં રાખે તો કાયદેસર પગલા ભરાશે

નવ નોરતા દરમિયાન સુરક્ષાનાં પ્રબંધો મામલે પોલીસ એલર્ટ થઇ ગઇ છે. હવે પહેલાં નોરતા આડે ગણતરીના જ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે અર્વાચિન ગરબા સ્થળોને મંજૂરી આપતા પહેલાં પોલીસ દ્વારા ગરબાના આયોજકોને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના સંબંધે વિવિધ સુચનાઓ આપી દેવાઇ છે. સીસી ટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટરના મામલે તો પોલીસે જણાવ્યું કે આ સુવિધા નહીં હોય તો ગરબાની મંજૂરી રદ કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી કરાશે.

કલેક્ટર સતિષ પટેલે જણાવ્યું કે તહેવારોના દિવસોમાં ભાંગફોડિયા તત્વોની ગતિવિધિના સંબંધમાં એલર્ટ રહેવાની રાજ્યના ગૃહ વિભાગની આગોતરી જ સુચના હોય છે. પરિણામે પાટનગરમાં ગરબા સ્થળોની સુરક્ષિતતા નિશ્ચિત કરવાની સાથે શહેર આખામાં દિવસ અને ખાસ તો રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવવાના આદેશ અપાયા છે. સુમસામ રહેતા નગરના ચોક્કસ માર્ગો પર અને વિવિધ પાર્કમાં પણ પોલીસનો પહેરો લગાડી દેવાશે. દરબાના સ્થળો પર પ્રવેશ દ્વારે હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટર પણ રાખવાનું ફરજિયાત કરાયું છે. ગરબા સ્થળોએ આ સાધનોની પોલીસ દ્વારા ચકાસણી પણ કરાશે. નવરાત્રિમાં સુરક્ષાને લઇને કલેક્ટર દ્વારા તંત્રને કડકાઇ સાથે તમામ નિયમોનું પાલન કરવા તાકિદ કરાઇ છે .

રાત્રે 12ના ટકોરે બંધ કરી દેવાની તાકીદ

પોલીસ દ્વારા તમામ ગરબા આયોજકોને રાત્રે 12ના ટકોરે ગરબા બંધ કરી દેવાની સ્પષ્ટ તાકીદ કરી દેવાયાનું જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલત તરફથી અપાયેલી આદેશાત્મક માર્ગદર્શિકાનું કડક પાલન કરાવાશે અને તેમાં કોઇની સાડાબારી રખાશે નહીં.

ખાનગી સિક્યુરિટી પણ ફરજિયાત કરાઇ

ગરબા શરૂ થયાં પહેલાં જ ગ્રાઉન્ડમાં કોઇ શકમંદની ઘુસણખોરી સંબંધે તપાસ કરવાની રહેશે અને પ્રવેશ દ્વાર પર કડકાઇથી વર્તે તેવા ખાનગી સિક્યરિટી ગાર્ડ રાખવા પડશે. તેમણે પ્રવેશ લેતાં દરેક વ્યક્તિને તપાસવા ફરજિયાત રહેશે. પોલીસ અધિકારીઓ ખાનગીવેશમાં આ પ્રક્રિયા થઇ રહી છે કે નહીં તેની તપાસ કરશે.
અન્ય સમાચારો પણ છે...