પૂરનો પ્રકોપ : સરકારને નથી ખબર ક્યાં સ્થળે જોઈએ છે મદદ, અનેક વિસ્તારો સંપર્ક વિહોણા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અનેક પૂરગ્રસ્ત અંતરિયાળ વિસ્તારો સુધી હજુ સરકારી તંત્ર પહોંચ્યું નથી
- એરફોર્સ વધુ હેલિકોપ્ટર આપવા તૈયાર પણ સરકાર પાસે લોકેશન જ નથી
- એનડીઆરએફની ટીમ દ્વારા ત્રણ દિવસમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 900 લોકોને ઉગારી લેવાયા

ગાંધીનગર : ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિએ લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. સરકારે તાત્કાલિક બચાવ કામગીરી તો શરૂ કરી દીધી છે પરંતુ હજુ અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે કે ત્યાંની સ્થિતિ અંગે સરકારને કોઇ જ માહિતી મળી શકી નથી. એરફોર્સ દ્વારા રાજ્ય સરકારને વધુ 4 હેલિકોપ્ટર ફાળવવાની તૈયારી દર્શાવાઇ છે પરંતુ ક્યા સ્થળે મદદની જરૂર છે તે લોકેશન જ સરકાર પાસે નહીં હોવાથી હેલિકોપ્ટરનો ઉપયોગ પણ કરી શકાયો નથી.

મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરીને દિશા નિર્દેશ આપ્યા હતા. એનડીઆરએફ અને લશ્કરી દળો દ્વારા ગુરુવારે પણ રાહત-બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ હકીકત એ છે કે ઉત્તર ગુજરાતના છેવાડાના અનેક વિસ્તારોની સ્થિતિ અંગે સરકાર પાસે કોઇ માહિતી નથી. સ્થાનિક જિલ્લા તંત્ર પણ આ વિસ્તારોનો સંપર્ક કરવામાં સફળ નિવડ્યું નથી.
અંતરિયાળ ગામોમાં રાહતકાર્ય માટે CMએ મંત્રીઓને દોડાવ્યાં

રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામોમાં રાહતકાર્ય પહોંચ્યુ કે નહીં, કેટલું નુકસાન છે, કેવી સ્થિતિ છે તેની રૂબરૂમાં જઇને તપાસ કરવા માટે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્ય કક્ષાના મંત્રીઓને સૂચના આપી છે. રાહત-બચાવકામગીરીની સમીક્ષામાં અંતરિયાળ બેઠકમાં વિશેષ તકેદારીની જરૂરિયાત જણાતા મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજ્ય કક્ષાના મંત્રીઓને ટેલિફોનિક સૂચના આપી હતી.

સૂત્રોના કહ્યા પ્રમાણે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે રાહત કામગીરીની સમીક્ષા માટે બેઠક બોલાવ્યા પછી તેમને અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ હજુ પણ નાજુક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી તેમણે અંતરિયાળ વિસ્તારોના ગામોમાં કેટલું નુકસાન થયું છે, કેવી સ્થિતિ છે, કેટલા લોકો સુધી હજુ રાહત કામગીરી પહોંચી નથી તેનું જાતનિરીક્ષણ કરવા માટે રાજ્ય કક્ષાના મંત્રીઓને તાકીદ કરી છે.

જો કે કેબિનેટ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ, રમણલાલ વોરા, બાબુ બોખીરિયા, વિજય રૂપાણી સહિતના મંત્રીઓ સહાયની કામગીરીમાં લાગી ગયા છે, બીજીબાજુ અંતરિયાળ ગામ સુધી પણ રાહત અને બચાવ કામગીરી વ્યવસ્થિત રીતે પહોંચે તેટલા માટે મુખ્યમંત્રીએ સૂચના આપતા સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારમાં રાજ્ય કક્ષાના મંત્રી જયંતિ કવાડિયાએ તંત્ર સાથે બેઠક કરી હતી, જ્યારે નાનુ વાનાણી, છત્રસિંહ મોરી સહિતના મંત્રીઓ અંતરિયાળ વિસ્તારવામાં જવા માટે રવાના થઇ ગયા છે.
આગળ વાંચો કચ્છના પૂરગ્રસ્ત 1500 ગામોમાં વીજળી ડૂલ, સરકાર ખોટું બોલે છે, કચ્છમાં 10 હજાર પશુનાં મોત : શક્તિસિંહ
અન્ય સમાચારો પણ છે...