તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એપોલો દુષ્કર્મકાંડ: પોલીસ બચાવની ભૂમિકામાં, આરોપીનુ નામ દબાવવાનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ભાટમાં આવેલી એપોલો હોસ્પિટલના એમઆઇસીયુ વોર્ડમાં રવિવારે સારવાર લેવા દાખલ થયેલી યુવતી ઉપર હોસ્પિટલના તબીબ અને સર્વન્ટ દ્વારા દુષ્કર્મ કરાયાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઇ છે. પરંતુ એમઆઇસીયુમાં દુષ્કર્મનો બનાવ બન્યાના 24 કલાક કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પોલીસે તેની સઘળી વિગતો સત્તાવાર રીતે જાહેર કરવાની બાબતે ઢીલું વલણ અપનાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આરોપીઓના નામ જાહેર કરવા બાબતે પણ કુલડીમાં ગોળ ભાંગ્યો હતો.

ડેન્ગ્યુની સારવાર માટે આઇસીયુમાં દાખલ યુવતી પર વોર્ડમાં બે શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ હતુ

રવિવારે ડેન્ગ્યુની બિમારીને લઇને શહેરમાં રહેતી એક યુવતિ એપોલો હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થઇ હતી. ત્યારે પ્રથમ સામાન્ય વોર્ડમાં રાખ્યા બાદ વધુ તબિયત લથડતા એમઆઇસીયુ વોર્ડમાં દાખલ કરાઇ હતી. વોર્ડમાં ફરજ બજાવતા ડૉ. રમેશ ભુરાલાલ ચૌહાણ અને સર્વન્ટ ચંદુ ઉર્ફે ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇ વણકર દ્વારા તેની ઉપર રેપ કરવામાં આવ્યો હતો. આ બનાવને લઇને પીડિતાના પરિવારજનો દ્વારા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતાં. પરંતુ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો ન હતો. ત્યારે પરિવારજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની વાત કરતા ફરિયાદ નોંધી હતી.

માત્ર તપાસના નામે ડીંડક ચલાવાયુ઼
મંગળવારે ફરિયાદ નોંધાયા બાદ પણ તપાસ કરતા અડાલજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે કે પંડ્યા ઢાંકપિછોડો કરતા હોય તેમ કંઇ કાંઢી શક્યા ન હતાં અને માત્ર તપાસ ચાલી રહી હોવાનુ રટણ કરી રહ્યા હતા. વારંવાર પુછપરછ કરવા છતા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદનુ જ વર્ણન કરતા હતાં. બીજી તરફ સુત્રો પાસેથી દુષ્કર્મ કરનારના નામ સત્તાવાર રીતે જાહેર કરવાનું સતત ટાળતા હતા. એપોલો હોસ્પિટલના પીઆરઓ સંદિપ જોષીએ જણાવ્યું હતુ કે પોલીસ તપાસ કરી રહી છે અમે પુરતો સહયોગ આપી રહ્યા છીએ.જે હશે તે પોલીસ તપાસમાં સત્યતા બહાર આવશે.

પોલીસ તબીબનુ નામ શોધી ના શકી!

એપોલોમાં સારવાર લઇ રહેલી યુવતિ પર રેપ કરવામા આવ્યાની વાતને લઇને હોસ્પિટલના પીઆરઓ સંદિપ જોશીએ કહ્યું કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ સંપૂર્ણ પણે પોલીસની તપાસમાં સહયોગ આપી રહ્યો છે. જેમાં સીસીટીવીના ફૂટેજ પણ આપી દેવાયા છે. તેમ છતા પોલીસ આરોપી તબીબનુ નામ જાણી શકી નથી. વોર્ડમાં હાલની સ્થિતિએ માત્ર એક જ સીસીટીવી કેમેરો લગાવેલો છે અને તે પણ બીલકુલ વચ્ચે. જ્યારે દર્દીઓની સારવાર કરવા માટે ચોરસ પડદા રાખવામાં આવ્યા છે. સામાન્ય બુટલેગર કે અન્ય કોઇ વગદાર વ્યક્તિ ના હોય તેમની કુંડલી એક ક્ષણમાં કાઢી નાખતી પોલીસ આરોપી તબીબ રમેશ ચૌહાણનુ નામ જાણી શકી નથી. જ્યારે સુત્રો દ્વારા ફરિયાદના એક કલાકમાં નામ જાણવા મળ્યું હતું.
મેડિકલ રિપોર્ટ બાદ સાચી માહિતી જાણવા મળશે

બિમાર યુવતિ ઉપર એપોલો હોસ્પિટલના તબીબ દ્વારા રેપ કરવામા આવ્યો છે. જેની ફરિયાદ યુવતિના પરિવારજનોએ અડાલજ પોલીસ મથકમાં નોંધાવી છે. ત્યારે ખરેખર સાચી હકીકત શું છે તેની માહિતી યુવતિનો મેડીકલ રીપોર્ટ આવ્યા જાણવા મળી શકે છે. પિડીતાના પિતા એક શબ્દ પણ બોલી ના શક્યા દુષ્કર્મના બનાવને લઇને પીડીતાના પિતાની સાથે ટેલિફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ કંઇ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતાં.
અન્ય સમાચારો પણ છે...