તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્પેશ ઠાકોરની સીએમ સાથે 20 મીનિટ ચર્ચા, ચાર મંત્રીઓને બેસવું પડ્યું વેઇટિંગમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ગૃહ મંત્રી રજની પટેલના વતનના જિલ્લા એવા મહેસાણામાં જ દારૂ-જૂગારના 900થી વધુ અડ્ડાઓ ધમધમતા હોવાનો ઘટસ્ફોટ કરતી યાદી અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને રૂબરૂ મળીને આપી હતી. દારૂની બદી સામે મુહીમ છેડનાર અલ્પેશ પટેલે ટોકન તરીકે બુટલેગરોના નામ સરનામા સાથેની યાદી આપી છે.
ચાર મંત્રીએ વેઇટિંગમાં બેસવું પડ્યું

અલ્પેશ ઠાકોરે સચિવાલયમાં સામાન્ય અરજદારની જેમ જ ગેટ પરથી પાસ કઢાવીને પ્રવેશ મેળવ્યો હતો પરંતુ સચિવાલયમાં પ્રવેશતાની સાથે જ તેને સલામતિ શાખાના અધિકારી દ્વારા વીઆઇપીની જેમ ગાઇડ કરવામાં આવ્યો હતો અને તેને સીએમ સાથે મુલાકાત કરાવવા સુધી સાથે રહીને માર્ગદર્શન આપ્યું હતું. સીએમ અને અલ્પેશ ઠાકોર વચ્ચે 20 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સીએમને મળવા આવેલા સિનિયર મંત્રીઓ નીતિન પટેલ, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયંતિ કવાડીયાને પીએની ચેમ્બરમાં વેઇટીંગમાં બેસી રહેવું પડ્યું હતું.

- વડાપ્રધાન, મુખ્યમંત્રીના વતનમાં જ દારૂના 900 અડ્ડા
- ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને દારૂના અડ્ડાની યાદી આપી, તેને બંધ કરાવવા 21 દિવસની મહેતલ આપી

અલ્પેશે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે મુખ્યમંત્રીને વધુ 21 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી અને વિરોધપક્ષના નેતાને એસસી, એસટી, ઓબીસીને લગતા 17 પ્રશ્નો અંગેનું આવેદનપત્ર પણ આપ્યું છે. એસસી, એસટી, ઓબીસી એકતા મંચના બેનર હેઠળ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરાયું ત્યારે અલ્પેશે સરકારને દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવા એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેની મુદ્દત પુરી થતાં તેણે આજે મુખ્યમંત્રીની મુલાકાત લઇને દારૂના અડ્ડાઓ તાકીદે બંધ કરાવવાની માંગણી પુનઃ દોહરાવી હતી.

તેમણે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને પણ આ મામલે હકારાત્મક સહકાર માટે રજૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોરે દારૂબંધીના ચૂસ્ત અમલ માટે વિધાનસભામાં વિશેષ ચર્ચા કરી ભાજપ કોંગ્રેસ બંને પક્ષના સભ્યોએ સાથે મળીને નક્કર નીતિ તૈયાર કરવાની રજૂઆત કરી હતી.

સરદાર પટેલ કરતાં ઊંચી આંબેડકરની પ્રતિમા બનાવો

રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા આ પ્રતિમા કરતા પણ ઉંચી એટલે કે 191 મીટર ઉંચી બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંભાતના અખાતમાં બનાવવાની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે. તેણે કહ્યું કે, ખર્ચો અમે ઉઠાવશું, લોખંડ પણ અમે લઇ આવીશું, સરકાર માત્ર મંજૂરી આપે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, સચિવાલયે આનંદીબેન પટેલને રૂબરૂ મળ્યાની વધુ તસવીરો....