* રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ વિદ્યાર્થીઓમાં વધે છે. - ટી.એસ. જોષી, ડિરેક્ટર, જીસીઇઆરટી
* ગુજરાત બોર્ડ સિવાયના સી.બી.એસ.ઇ., આઇબી બોર્ડ સહિતની શાળાઓમાં અમલ ઇચ્છનીય
દિનેશ જોષી, ગાંધીનગર: રાજયની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની જયારે હાજરી પૂરવામાં આવે છે ત્યારે શિક્ષક વિદ્યાર્થીનું નામ બોલે છે અને વિદ્યાર્થી પ્રત્યુત્તરમાં ‘યસ સર કે પ્રેઝન્ટ સર’ જેવા શબ્દો બોલે છે. આ શબ્દોને બદલે તા.1 જાન્યુઆરી, 2019થી ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ માન્ય શાળાઓમાં વિદ્યાર્થીએ ‘જય હિંદ કે જય ભારત’ શબ્દ બોલવાનો રહેશે તેવો સરકારે પરિપત્ર કરીને આદેશ કર્યો છે. જો કે, સી.બી.એસ.ઇ., આઇ.બી. બોર્ડ જેવી શાળાઓમાં ‘જય હિંદ કે જય ભારત’ જેવા શબ્દ બોલાય તે ઇચ્છનીય છે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
રાજયની શાળાઓમાં 20થી25 વર્ષ પહેલા વિદ્યાર્થીઓની હાજરી પૂરતી વખતે શિક્ષક વિદ્યાર્થીનું નામ બોલે એટલે જે વિદ્યાર્થી હાજર હોય તે પ્રત્યુત્તરમાં જય હિંદ કે જય ભારત બોલતા હતા. જે વિદ્યાર્થી આવો પ્રત્યુત્તર આપે તેને હાજર ગણીને તેની હાજરી પૂરી નાખવામાં આવતી હતી. પ્રત્યુત્તર ન આવે તો શિક્ષક તેને ગેરહાજર ગણીને ગેરહાજર દર્શાવતા હતા. હાલમાં પણ કેટલીક શાળાઓમાં ઇનોવેટીવ શિક્ષકો જય હિંદ-જય ભારત કે પર્વતના નામ બોલાવે છે. પણ, મોટાભાગની શાળાઓમાં ‘યસ સર કે પ્રેઝન્ટ સર’ જેવા શબ્દ બોલાય છે. આ શબ્દ એક જ દિવસે અને દરેક પરિયડમાં હાજરી પુરાય તો દરેક પિરીયડ વખતે વારંવાર વિદ્યાર્થીના માનસ પર આવે છે.
યસ સર કે પ્રેઝન્ટ સર વારંવાર વિદ્યાર્થીના માનસ પર પડે તો તેની કોઇ હકારાત્મક અસર થતી નથી, પણ જો તેને બદલે જય હિંદ કે જય ભારત બોલે તો વિદ્યાર્થીમાં દેશ પ્રત્યેની લાગણી, દેશપ્રેમ, રાષ્ટ્રભકિત વધે તેવું શિક્ષણ વિભાગનું માનવું છે. આથી ગુજરાત સરકારે તા. 1 જાન્યુઆરી, 2019થી વિદ્યાર્થીએ જય હિંદ, જય ભારત તેવા શબ્દો બોલવા તેવો પરિપત્ર તા. 31 ડિસેમ્બર 2018માં કર્યો છે.
એબીવીપીના 64માં રાષ્ટ્રીય અધિવેશનમાં આવો પ્રયોગ કરનારને સન્માનિત કર્યા
અમદાવાદમાં એબીવીપીના 64માં રાષ્ટ્રીય અધિવેશનમાં રાજસ્થાનની ઝાલોદની શાળાના શિક્ષક સંદિપ જોષીએ યસ સર, પ્રેઝન્ટ સરને બદલે ‘જય ભારત’ શબ્દનો પ્રયોગ કરતા રાજસ્થાન સરકારે તેનેે સ્વીકાર્યો હતો. સંદિપ જોષીએ દર શનિવારે દફતર લઇને નહીં આવવાનું તેવા કેટલાક પ્રયોગ કર્યા હતા. આથી એબીવીપીએ તેમને રૂ. એક લાખની રકમનો પ્રો. યશવંતરાવ કેલકર યુવા પુરસ્કારથી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે સન્માનિત કર્યા હતા.
નિર્ણય યોગ્ય: ખાનગી શાળાઓ
* સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેથી અમને કોઇ જ વાંધો નથી અમે આ નિર્ણયને માનવા તૈયાર છીએ. - ફાધર ચાર્લેસ, પ્રિન્સીપાલ લોયલા સ્કૂલ
* વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા વધારવા માટે સરકારના નિર્ણયને યોગ્ય માનીએ છીએ. જય હિન્દથી વિદ્યાર્થીઓ દેશના ગૌરવને પણ સમજશે. - અર્ચિત ભટ્ટ, સ્કૂલ સંચાલક ત્રિપદા સ્કૂલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.