તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુન્દ્રા પાસે 2 કાર અથડાતાં ચિલોડા હાઈવે પર ટ્રાફિક જામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં પાંચ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ચિલોડા-હિંમતનગર હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતા દોઢ કલાક જેટલો સમય ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાની વિગતો પ્રમાણે નિકોલમાં રહેતા પોખરાજ ગુર્જર પોતાની ટ્રાવેરા ગાડી નંબર GJ-01-RG-0308 લઈને હિંમતનગર તરફ જવા નીકળ્યા હતા. ટ્રાવેરા ગાડીમાં તેમના પરિવાર ત્રણ સભ્યો પણ હતા. ત્યારે રવિવારે સવારે 10 વાગ્યાના સુમારે હિંમતનગર તરફથી આવતી અને મહુન્દ્રા પાટીયા પાસે વળાંક લેતી ઈકો કાર અને ટ્રાવેરા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રાવેરામાં બેઠેલી મહિલાને ફ્રેક્ચર થયું હતું જ્યારે ચાલક સહિતના અન્ય લોકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તો બીજી તરફ GJ-31-D-3275 નંબરની ઈકો ગાડીના ચાલકને પણ ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે એકઠા થઈ ગયેલા લોકોએ 108 મારફતે ઘાયલોને ગાંધીનગર સિવિલ સારવાર માટે ખસેડ્યા હતા. એક તરફ ચિલોડા-હિંમતનગર હાઈવે સીક્સલેન માર્ગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ અકસ્માત સર્જાતા હાઈવે પર બે કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી ગઈ હતી. રોડ પર વાહનોનો ખડકલો થતા ટ્રાફિકજાના દ્રશ્યો સર્જાયા હતા અને દોઢ કલાકે વાહનવ્યવહાર પૂર્વવ્રત થયો હતો. અકસ્માતને પગલે ગાડીના ચાલક પોખરાજ ગુર્જરે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.

અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...