તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગટરના પાણીથી અધિકારીઓના મોં કાળા કરવા ચીમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરના સેક્ટર-5 ખાતે છેલ્લા કેટલાક સમયથી ગટરો ઉભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે. ઘર આગળ અને ચોકડીમાં ઉભરાતી પાણીથી રહીશો એટલા તો કંટાળ્યા છે કે હવે જવાબદાર અધિકારીઓના મોંઢા કાળા કરવા સુધીનું મન બનાવી લીધું છે.

ઉલ્લેખનીય છે કે, સેક્ટર-5 ખાતે કેટલાક સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા ઉભી થઈ છે. ત્યારે રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રવિવારે સવારે સે-5 વસાહત મંડળની બેઠક જાહેર બગીચામાં મળી હતી. પ્રમુખ કેશરીસિંહ બિહોલાના અધ્યક્ષસ્થાને સવારે 10 વાગ્યે મળેલી બેઠકમાં સેક્ટર-5 એ, બી, સીના વિભાગના વસાહતીઓ હાજર રહ્યાં હતા. જેઓએ બે મહિનાથી ઉભરાતી ગટરો અંગે ઉગ્ર ચર્ચા કરી હતી. શહેર સહિત રાજ્યભરમાં હાલ ડેન્ગ્યુ,મલેરિયા, ટાઈફોડ જેવા રોગના ખાટલા ઘરે-ઘરે છે ત્યારે આવા સમયે સેક્ટર-5માં ઉભરાતી ગટરો અને ચોકડીઓ રહીશો માટે વધુ મુશ્કેલી ઉભી કરે તેમ છે. ત્યારે હવે આ મુદ્દે વસાહતીઓએ હવે પાટનગર યોજના વિભાગની કચેરીમાં ગટરનો કચરો ઠાલવીને સંબંધિત અધિકારીઓ મોંઢા પણ કાળા કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ જાહેર જનતાના આરોગ્યને કોઈ નુકશાન થશે તો જાહેર હિતની અરજી કરવાની તૈયારી કરી લીધી છે.તેથી આ બાબતે જો પગલા લેવામા નહિ આવે તો રહીશો આક્રમક બનશે.

ચેતવણી : જાહેર જનતાના આરોગ્યને નુકસાન થશે તો સ્થાનિક રહીશોએ જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી લીધી છે
પાટનગરમાં ઉભરાતી ગટરોથી સેક્ટર-5ના નાગરિકોએ હવે ઉગ્ર આંદોલનના મૂડમા આવી ગયા છે અને અધિકારીઓને રજૂઆત કરવા નિર્ણય લીધો છે.

પહેલાં રજૂઆત કરાશે બાદમાં અઠવાડિયાનો સમય અપાશે’
આ અંગે મંડળના પ્રમુખ કેશરીસિંહે કહ્યું હતું કે, ‘ગટરના પ્રશ્નોને લઈને વસાહત મંડળનું એક પ્રતિનિધિ મંડળ 14 નવેમ્બર ગુરુવારે પાટનગર યોજના વિભાગ, કલેક્ટર, મેયરને આવેદનપત્ર આપશે. એક અઠવાડિયામાં ગટરો ઉભરાવવાની સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર પગલાં લેવાશે.’

કેમ ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઈ?
શહેરમાં આવેલી ગટર લાઈનો 50 વર્ષ કરતાં પણ જૂની છે. તે સમય અને હાલની વસ્તીમાં અનેકગણો વધારો થઈ ગયો છે. બીજી તરફ હાલ શહેરમાં સ્ટ્રોમવોટર ડ્રેનેજની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં જેસીબી દ્વારા કરાતા ખોદકામમાં અનેક સ્થળે ગટરલાઈનો અને ગટરોમાં ભંગાણ થાય છે. જેને પગલે પાણી આગળ જતુ નથી અથવા બહુ ધીમે જાય છે. જેને પગલે હાલ શહેરમાં સેક્ટર-7, સે-2, સે-6 જેવા વિસ્તારો બાદ સે-5માં ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...