પેથાપુરવાસીઓ આરોગ્યલક્ષી સુવિધા મામલે ઓક્સિજન પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય સેવાઓને સુદ્દઢ બનાવવા રાજ્ય સરકાર કમર કસી રહી છે. ત્યારે ગાંધીનગરથી માંડ પાંચ કિલોમીટરના અંતરે આવેલા 35,000ની વસ્તી ધરાવતા પેથાપુરમાં આરોગ્ય સેવા ઓક્સિજન ઉપર હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે. સરકારી દવાખાનાનું મકાન સદી જુનું હોવાથી તેનું તાકિદે રિપેરીંગ કરવાની અને નિયમિત ડોક્ટર મુકવાની માંગણી સાથે પ્રભારી મંત્રીને રજુઆત કરવામા આવી છે.

સરકાર દ્વારા હવે લેબોરેટરી ટેસ્ટીંગ સહિતની સુવિધાઓ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ઉભી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને માં અમૃત્તમ યોજનાથી લોકોને આવરી લેવામાં આવી રહ્યા છે. ત્યારે પેથાપુરમાં આરોગ્યલક્ષી સેવાની સ્થિતિ ઓક્સિજન પર રહેવા સમાન બની રહી છે. દવાખાનામાં નિયમિત ડોક્ટર આવતા નથી. પરિણામે હાલમાં વાયરલ અને વાહકજન્ય રોગચાળા વચ્ચે સ્થાનિકોને સારવાર માટે ગાંધીનગર સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે. પેથાપુરના સરકારી દવાખાનામાં નિયમિત તબિબ નહી આવતા સ્થાનિક લોકોને આરોગ્યલક્ષી સારવાર માટે ખાનગી તબિબો પાસે જવાની ફરજ પડી છે.

પેથાપુરના એક સદી જુના સરકારી દવાખાના મકાનની જર્જરીત હાલત થઇ ગઇ છે. તેમ છતાં રિપેરીંગ કરવામાં નહી આવતા ગમે ત્યારે મકાન તૂટી પડે તેવી સ્થિતિ બની છે. સરકારી દવાખાનાના મકાનનું રિપેરીંગ કરીને નિયમિત ડોક્ટર હાજર રહે તેવી માંગણી સાથે પેથાપુર એસટી બસ પેસેન્જર એસોસિએસને જિલ્લાના પ્રભારીમંત્રીને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...