સઈજ GIDC નજીક રિક્ષામાં દેશીદારૂ વેચાતો હતો, 2 વિરુદ્ધ ગુનો દાખલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલસીબી-2નો સ્ટાફ કલોલ પંથકમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે સઈજ જીઆઈડીસીમાં રિક્ષામાં દેશીદારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબી-2એ ચિરાગ થિયેટર પાછળ રીક્ષા ઝડપી પાડી હતી. જેમાં બેઠેલા શખ્સનું નામ પૂછતાં કલોલ સ્નેહકુંજ છાપરા ખાતે રહેતો અજીજ ઉર્ફે પિન્ટુ સુલેમાન મીર (35 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રિક્ષા ચેક કરતાં પાછળની સીટમાં કાપડની થેલીમાં નાની-નાની 66 કોથળીઓમાં ભરેલો 16 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

દારૂ અંગે પૂછતાં પકડાયેલા આરોપીએ કહ્યું હતું કે, સ્નેહકુંજ છાપરામાં જ રહેતા પકડાયેલી રિક્ષાના માલિક બાબુભાઈ રબારીએ દારૂ વેચવા આપ્યો હોવાનું કહ્યું હતું. જે માટે અજીજને રોજના 200 રૂપિયા મળતા હતા. જેથી પોલીસે 320ની કિંમતનો દેશીદારૂ અને 40 હજારની રીક્ષા જપ્ત કરીને બંને વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ચિલોડા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ધણપ પાટિયા પાસેથી નંબરવગરના એક્ટિવા પર જતા યુવકને ઝડપી પાડ્યો હતો. એક્ટિવાની ડેકી ચેક કરતાં અંદરથી 9 કોથળીઓમાં ભરેલો 18 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઝડપાયેલા આરોપી હિતેશસિંહ પરબતસિંહ ઠાકોરને દારૂના જથ્થા અંગે પૂછતાં તેણે કહ્યું હતું કે દેશી દારૂ તે પોતાના ઘરે લાવ્યો હતો અને આલમપુરમાં જીતેન્દ્ર નરાજી ઠાકોરના ઘરે આપવાનો હતો. જેથી પોલીસે 360નો દેશીદારૂ અને 40 હજારનું એક્ટિવા જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...