મહેસાણાના હનીટ્રેપમાં સંડોવાયેલો સચિવાલયનો પોલીસ કર્મી પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા મૂળ ચાણસ્માના અને વડોદારા વેપારીને મહેસાણા બોલાવીને દુષ્કર્મનો આરોપ મૂકીને 10 લાખની માંગણી કરનાર ગાંધીનગર સચિવાલયમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા ભાલેજના શખ્સને પોલીસે ઝડપી પાડયો તેની વધુ પૂછપરછ હાથધરી છે. અગાઉ આ ગુનામાં સંડોવાયેલી યુવતીની પુછપરછ કરતાં પોલીસકર્મીનું નામ ખુલ્યું હતું.

વડોદરાના વેપારી પાસે 10 લાખ માગ્યા હતા: યુવતીની પુછપરછ થઈ હતી
મૂળ ચાણસ્માના અને વડોદરાના વેપારીને મહેસાણા બોલાવી દુષ્કર્મનો આરોપ મૂકી રૂ.10 લાખ માંગવાના બહુચર્ચિત કેસમાં મહેસાણા શહેર બી ડિવિજન પોલીસે મૂળ એસઆરપીમાં કામ કરતો અને હાલ ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ બજાવતા પોલીસકર્મીની ધરપકડ કરી અન્યોને ઝડપી લેવા તજવીજ કરી છે.

વડોદરાના મૌલીક વ્યાસનો મોબાઇલ પર સંપર્ક કરી મહેસાણા બોલાવનારી દ્રષ્ટી દવે તેમને અન્ય મિત્ર સાથે મળી ઉચરપી રોડ પર આવેલા એક ફ્લેટમાં લઇ ગઇ હતી. અહીં સીઆઇડી ક્રાઇમની ઓળખ આપીને આવેલા શખ્સો મૌલિક વ્યાસને દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી લૂંટી લીધા બાદ ગાંધીનગરમાં વિવિધ જગ્યાએ ફેરવી ધમકી આપવાના કેસમાં અગાઉ બી ડિવિજન પીઆઇ એસ.બી. મોડીયાએ રમીલા ઉર્ફે રીના હિતેનકુમાર ઉર્ફે બુકીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન બનાવ સમયે સીઆઇડી ક્રાઇમની ઓળખ આપીને રેડ કરવાનું નાટક કરી મૌલિક વ્યાસનું અપહરણ કરી ખંડણી માંગનારાઓમાં મૂળ એસઆરપી ગૃપ 12માં નિમણૂંક પામેલા અને હાલ ગાંધીનગર સચિવાલયમાં સેક્ટર-21માં છેલ્લા 12 વર્ષથી સલામતી શાખામાં નોકરી કરતા મુખત્યાર નઝીરમીયા ઉસ્માનમીયા મલેક મૂળ ભાલેજ ભટ્ટી ટોળા, ઉમરેઠ, જિ.આણંદ, હાલ ગાંધીનગરનું નામ ખુલ્યુ હતું. જેને પગલે પીઆઇ એસ.બી. મોડીયા, એએસઆઇ જયેશભાઇ લાલજીભાઇ અને અક્ષયસિંહ વખતસિંહે તેની બુધવારે તેની ગાંધીનગરથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.