મહિનાથી ધીમી ગતિએ ચાલતા ગટર લાઇનના કામથી આક્રોશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક માસથી ગોકળગતિએ ચાલતી નવીન ગટરલાઇન નાંખવાની કામગીરીને પગલે જિલ્લા પંચાયતની આગળનો માર્ગ કાદવ કિચડવાળોઇ થઇ જતા કર્મચારીઓ અને મુલાકાતીઓ હાલાકી વેઠી રહ્યા છે. માર્ગ ઉપર વૃક્ષોની હરીયાળીની હોવાથી ભરાઇ રહેલા વરસાદી પાણીમાંથી દુર્ગંધ મારતી હોવાથી કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. પાઇપ લાઇન નાંખવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠવા પામી છે.

જિલ્લા પંચાયતની સામેના માર્ગ ઉપર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ભર ચોમાસામાં નવીન ગટર લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ છેલ્લા એક માસથી મંથર ગતિએ ચાલતી કામગીરીને પગલે સમગ્ર માર્ગ ઉપર કાદવ અને કિચડની જમાવટ થઇ છે. જેને પરિણામે જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓને હાલાકી વેઠવાની ફરજ પડી છે.

જિલ્લા પંચાયતની સામેના માર્ગની બન્ને સાઇડ વૃક્ષોની હરિયાળી હોવાથી વરસાદના ભરાયેલા પાણીમાંથી તીવ્ર દુર્ગંધ મારતી હોવાની રાવ જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ઉઠવા પામી છે. વરસાદી પાણીમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી કર્મચારીઓમાં રોગચાળાની દહેશત જોવા મળી રહી છે.

ભર ચોમાસામાં ગટર લાઇન નાંખવાની કામગીરી શરૂ કરીને જિલ્લા પંચાયતની સામેના રોડ કાદવ અને કિચડથી ઢંકાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં કોઇ જાનહાની થાય નહી તે માટે ખોદકામની કામગીરીને મંજુરી આપવામાં આવતી નથી. ત્યારે જિલ્લા પંચાયતની સામે નવીન ગટર લાઇન નાંખવાની કામગીરીને આપેલી મંજુરીને લઇને અનેક પ્રશ્નો જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ઉઠવા પામ્યા છે.

જિલ્લા પંચાયતની સામેના માર્ગ ઉપર છેલ્લા એક માસથી ચાલતી ગટર લાઇનની કામગીરી તાકિદે પૂરી કરવાની માંગણી સાથે ગાંધીનગર જિલ્લા પંચાયત વર્ગ-3 કર્મચારી મંડળના પ્રમુખ પ્રકાશ ત્રિવેદી અને ઉપપ્રમુખ હિરેન પટેલ તેમજ મંત્રી વી.ટી.સોનીએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...