તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાની જાતીય સતામણી રોકવા કચેરીઓમાં કમિટી રચવાનો આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સરકારી કે બિન સરકારી કચેરીઓમાં જાતિય સતામણીના મુદ્દે મહિલા સભ્ય સહિતના સભ્યોની સમિતિ રચવા મામલે કચેરી વડાઓના ઢીલા વલણ સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલનની બેઠકમાં આ મુદ્દાને ગંભીરતાથી લેવાયો હતો અને કલેક્ટર લાંગાએ દરેક કચેરીમાં કમિટી કાર્યરત કરવા અથવા કમિટી રચાઇ હોય તો સક્રિય રાખવા આદેશ આપ્યો હતો.

ઉચાપત રોકવા આઉટસોર્સ સ્ટાફની માહિતીની ખરાઇ કરવા તાકિદ
આ ઉપરાંત ઉચાપત અને નાણાંકિય ગેરરિતીના બનાવ રોકવા આઉટ સોર્સથી લેવાતા સ્ટાફના કિસ્સામાં કર્મચારીઓનો બેંક સહિતનો બાયોડેટા લઇ તેની ખરાઇ કરવા તાકીદ કરી હતી.

દેશની સર્વોચ્ચ અદાલતે કચેરીમાં મહિલા કર્મચારીઓની જાતિય સતામણીના કિસ્સાઓ અટકાવવા કમિટી રચવા અને આવા કિસ્સામાં કમિટી દ્વારા જ ફરિયાદના સંબંધે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આદેશાત્મક માર્ગદર્શિકા જાહેર કરી હોવા છતાં હજુ સુધી દરેક કચેરીમાં આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો નથી. તે વાતે કલેક્ટરે તમામ કચેરી વડાનો ખુલાસો પણ પુછ્યો હતો અને કમિટી સક્રિય કરવાની દિશામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.

તેવી જ રીતે સમયાંતરે પ્રકાશમાં આવતાં સરકારી નાણાંની ઉચાપત અને ગેરરિતીના બનાવો અટકાવવા તાકીદ કરી હતી.બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ વડાએ અધિકારીઓને કહ્યું હતું કે, કચેરીઓમાં કરાર આધારિત ધોરણે સ્ટાફની ભરતીના કિસ્સામાં સંબંધિત આઉટ સોર્સીંગ કે સિક્યુરીટી એજન્સી દ્વારા રાખવામાં આવતાં સ્ટાફના દરેક કર્મચારીની તમામ માહિતીમાં તેનો બાયોડેટા, બેંક ખાતા સહિતની વિગતો લેવાયા બાદ ખરાઇ કરવી અનિવાર્ય છે.

ત્યારબાદ પણ આ અંગે ચોક્કસ ટેબલ પર કામગીરી સોંપવાની થતીહોય ત્યારે વિસ્તૃત ચર્ચા કરીને કાળજી પૂર્વક નિમણુંક આપવી જોઇએ. તેમણે બાબતે ઉપસ્થિત કચેરી વડાઓને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

તકેદારી આયોગના કેસોનો ઝડપી નિકાલ લાવો
જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં તકેદારી આયોગના કેસ પરત્વે કાળજી રાખવા, તેની ચકાસણી અને સમીક્ષા કરવા કલેક્ટરે જણાવ્યું હતું કે, તેમણે માહિતી અધિકાર કાયદા હેઠળ આવતી અરજીઓને પણ ગંભીરતાથી લેવા અને ઝડપી નિકાલ કરવા માટે તમામ અધિકારીઓને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...