તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારિસણામાં ઝાડા ઊલટીના વધુ 13 કેસ: પાણીની લાઇનમાં લીકેજ મળ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ|દહેગામ તાલુકાના ધારિસણા ગામે ગત વર્ષે જુલાઇ માસમાં ઝાડા ઊલ્ટીનો રોગચાળો પ્રસર્યા બાદ પુન: છેલ્લા ત્રણેક દિવસથી લોકો ઝાડા ઊલ્ટીનો ભોગ બન્યા હતા. ઝાડા ઊલ્ટીના કારણે એક આધેડ મોતને ભેટતા તથા એક મહિલાનો કોલેરા રિપોર્ટ પોઝિટીવ આવતાં તંત્ર પણ દોડતુ થયુ હતુ.

કલેક્ટર દ્વારા માહિતી મેળવવામા આવી: આરોગ્ય તંત્રને એલર્ટ કરી દેવાયું
ગુરૂવાર સુધી પચાસ જેટલા કેસ નોંધાયા બાદ શુક્રવારે વધુ તેર જેટલા નવા દર્દીઓનો ઉમેરો થયો હતો. ગામમાં આરોગ્ય તંત્રની ટીમ દોડતી થઇ પંચાયત તંત્ર સાથે ગામમાં પાણીની પાઇપ લાઇનના લિકેજ શોધી કાઢવાની કવાયત બાદ ગુરૂવારે ચાર લિકેજ શોધી રિપેરીંગ કર્યા હતા. જયારે શુક્રવારે પણ વધુ બે લિકેજ શોધી કઢાયા હતા. સમગ્ર ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કામગીરી વેગવંતી બનાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે મેડિકલ ઓફિસર સહિતની ટીમ અંતરે રખાઇ છે.

ધારિસણા ગામે છેલ્લા ત્રણેક દિવસથી ઝાડા ઊલ્ટીનો રોગચાળો પ્રસરતા ગુરૂવાર સુધી પચાસ જેટલા લોકો તેનો ભોગ બન્યા હતા. 26 જેટલા લોકોએ રખિયાલ તથા ધારિસણાના સરકારી દવાખાને સારવાર લીધી હતી. તો કેટલાકે દહેગામ અને ગાંધીનગરના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દોડી ગયા હતા. ઝાડા ઊલ્ટીના કારણે મનુજી ઠાકોર નામના આધેડનું મોત નિપજ્યુ હતુ. જયારે એક મહિલાનો કોલેરા રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર સફાળુ જાગી દોડતુ થયુ હતુ. ગામની પીવાના પાણીની પાઇપ લાઇનમાં ચાર લિકેજ શોધી રિપેરીંગ કરાયા હતા અને ગામમાં સર્વે કામગીરી વેગવંતી બનાવાઇ હતી.

શુક્રવારે પણ 13 જેટલા દર્દીઓ નોંધાયા હતા. ઝાડા ઊલ્ટીના પગલે રેપીડ રિસ્પોન્સ ટીમ ધારિસણા ખાતે દોડી આવી સમીક્ષા કરી હતી અને રોગચાળો વધુ ન ફેલાય તે માટે જરૂરી સુચનો કર્યા હતા.

લીકેજ બંધ ન કરાવતા સરપંચને નોટિસ
ધારિસણામાં પાણીના લાઇનમાં એકથી વધુ લીકેજ મળી આવ્યા છે. આ મુદ્દે સરપંચને અગાઉ પણ આરોગ્ય તંત્ર દ્વારા સુચના અપાઇ હતી. સરપંચ પંકજભાઇ પટેલ દ્વારા લીકેજ મુદ્દે બેદરકારી દાખવવામાં આવી હોવાનું માનીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેને નોટિસ ફટકારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...