મનપાના 100 વાહનમાં GPS સિસ્ટમ લગાડાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમહાપાલિકાએ સ્વચ્છ ભારત અભિયાનને ગંભીરતાથી લીધાનો હવે અહેસાસ કરાવવામાં આવશે. તેના સંબંધે મહાપાલિકા હસ્તકના વાહનો ખાસ કરીને કચરાનું પરિવહન કરતા અને રોડની સફાઇ કરતા 100 જેટલા વાહનો પર જીપીએસ સિસ્ટમ સંપૂર્ણ સક્રિય કરી દેવામાં આવી છે. મહાપાલિકા દ્વારા તેના માટે વાહન દિઠ 25 હજાર જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. મતલબ કે 25 લાખના ખર્ચે 100 વાહનો પર સિસ્ટમ લગાડી દેવાયા પછી તાજેતરમાં કેટલાક વાહનોમાં બંધ પડી ગયેલી કે ખોટકાઇ ગયેલી સિસ્ટમ ફરી એક્ટિવ કરી દેવાઇ છે. પરિણામે હાલની સ્થિતિએ દરેક વાહનના કોઇપણ સમયના લોકેશન મેળવવાની સુવિધા થઇ ગઇ છે.

મહાપાલિકા વિસ્તારને કચરાપેટીથી તો મુક્ત કરી દેવામાં આવ્યો છે. હવે મોટા ભાગના વિસ્તારમાં દરેક ઘરેથી કચરો લઇ જવામાં આવી રહ્યો છે. ત્યારે જાહેર સફાઇની કામગીરી વધુ અસરદાર બને અને કચરાનું પરિવહન લેન્ડ ફીલ સાઇટ સુધી કરવામાં કામે લાગેલા વાહનો પણ સતત દોડતા રહે તેના માટે સચોટ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેના માટે કામગીરીમાં મુકવામાં આવેલા રોડ સ્વીપર ટ્રક્સ ઉપરાંત કચરાનું વહન કરતાં કન્ટેનર વ્હિકલ પણ તેને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે કામ કરતા રહે તેના માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

વાહનો પર જીપીએસ સિસ્ટમ લગાડાતા સફાઇની કામગીરી પર નજર રાખતા મહાપાલિકાના સેનેટરી સુપ્રિટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ તેની ચેમ્બરમાં બેઠા અને મોબાઇલ ફોન મારફત ઉપરોક્ત દરેક વાહન ક્યા સમયે ક્યા છે. તેની માહિતી ઓનલાઇન મેળવી શકે છે. વાહનના ચાલકો દ્વારા તેમના લોકેશનની વાતે અધિકારીઓને મુર્ખ બનાવી શકતા નથી. પરિણામે દરેક વાહનનો પૂર્ણ ક્ષમતા સાથે અને નિયત કર્યા પ્રમાણેનો ઉપયોગ કરી શકાશે. જેથી સફાઇની વ્યવસ્થા ગોઠવી શકાશે.

પદ્દાધિકારીઓ અને અધિકારીઓના વાહન બાકાત છે

નગરજનોએ ચૂંટેલા લોક પ્રતિનિધિમાંથી પદ્દાધિકારી બનેલા અને અધિકારીઓના વાહનો માટે જીપીએસ લગાડવાની કોઇ યોજના નથી. મહાનુભાવોને પણ પ્રજાના પરસેવાની કમાણીમાંથી લક્ઝુરિયસ વાહન સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ તેમના વાહનો ક્યારે ક્યાં ફરી રહ્યાં છે. તે બાબતે કોઇ મોનિટરિંગ કરવાનું નથી.

સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવવા માટેની કવાયત

ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં જેની નોંધ લેવાવાની છે, તેવા દેશ વ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ 2018ને નજર સમક્ષ રાખીને મહાપાલિકાના અધિકારીઓ આગળ વધી રહ્યાં છે. જીપીએસ સિસ્ટમ પણ તેનો એક ભાગ છે.

નવી સુવિધા | કચરા અને સફાઇના વાહનો કોઇપણ સમયે ક્યાં છે તેની માહિતી મળી શકશે

અન્ય સમાચારો પણ છે...