તા. પં.માં કોંગ્રેસને બહુમતી : ભાજપના દાવપેચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ભાજપ શાસિત ગાંધીનગર તાલુકા પંચાયતની ટર્મ પુર્ણ થયા બાદ ગત તા 21મીનાં રોજ ચૂંટણી યોજાઇ હતી. પંચાયતની 36 બેઠકોમાંથી 18 કોંગ્રેસે, 15 ભાજપે તથા 3 બેઠકો ભાજપે જીતી લીધી છે. કોંગ્રેસને બહુમતી મળી છે. પરંતુ કોંગ્રેસ સત્તા પર બેસશે કે કેમ તે મુદ્દે નાગરીકોને તો ઠીક ખુદ કોંગ્રેસને પણ શંકા છે !! ભાજપ દ્વારા કોંગ્રેસનાં સદસ્યોને પોતાની તરફી કરવા માટે ભરપુર પ્રયાસો થઇ રહ્યા છે અને આંતરીક માહોલ ગરમા-ગરમીનો ચાલી રહ્યો છે. અપક્ષ ઉમેદવારોનું પણ વજન વધી ગયુ છે. ત્યારે તાલુકા પંચાયતમાં પણ મહાનગર પાલિકાવાળી થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

સત્તા મેળવવા ભાજપ તડજોડની નીતી અપનાવે તેવી શંકા
ગાંધીનગર મહાનગર પાલિકાની બંને ટર્મમાં શહેરનાં નાગરીકોએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા હતા. પરંતુ બંને વખત સત્તા ભાજપ ધારણ કરીને કોંગ્રેસની હાલત કફોડી કરી નાંખી હતી. ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગાંધીનગર તાલુકાનાં ગામડાઓએ કોંગ્રેસને આગળ કરી છે. પરંતુ સત્તાની ખેચતાણમાં કોંગ્રેસની સ્થિતી કોર્પોરેશન જેવી થવાનાં એંધાણ વર્તાવા લાગ્યા છે. જો આવુ થશે તો મતદારો કોંગ્રેસ પ્રત્યો ચોક્કસ માનસિકતા બાંધી લેશે.

શહેર તથા જિલ્લા કોંગ્રેસ સમિતી પ્રમુખ સુર્યસિંહ ડાભી સાથે તાલુકા પંચાયતનાં પ્રમુખ તથા સદસ્યોની પસંદગી મુદ્દે વાત કરતા જણાવ્યુ હતુ કે નોટીફિકેશન મળ્યા બાદ આ દિશામાં નિર્ણયો લેવાશે. હાલ આ મુદ્દે તૈયારીઓ ચાલી રહી છે.

કોંગ્રેસી આગેવાનો તાલુકા પંચાયતમાં સત્તા ધારણ કરવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ આંતરીક સુત્રોનાં જણાવ્યાનુંસાર કોંગ્રેસનાં જીતેલા ઉમેદવારોને પોતાના તરફ કરવા ભાજપ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. ઘણા સદસ્યોનો સંપર્ક વાયા-વાયા થઇ રહ્યા છે. કોંગ્રેસે પણ પોતાનાં જીતેલા સદસ્યોને સાંચવી રાખવા માટે પ્રયાસો કરવા પડે તેમ છે. લોકો મતાધીકારનો ઉપયોગ કરીને કયા પક્ષને સત્તા આપવી તે નક્કી કરે છે. પરંતુ ગાંધીનગરનાં રાજકારણમાં લોકોનાં મતે ચૂંટાયેલા સદસ્યો પોતાની રીતે નિર્ણય લઇને પલ્ટા કરીને લોકોનાં વિશ્વાસને તોડતા હોય છે. ત્યારે આવુ જ ચાલતુ રહેશે તો મતદાનનાં અધિકારની કિંમત કોડીની થઇ જશે.

અપક્ષ ઉમેદવારોએ ખાત્રી આપ્યાનો કોંગ્રેસનો દાવો
ત્રણેય અપક્ષ ઉમેદવારો કોંગ્રેસને ખાતરી આપી હોવાનું કોંગ્રેસનાં સુત્રો જણાવી રહ્યા છે. પરંતુ રાજકારણમાં અણધાર્યુ થતુ હોય છે અને તેની પાછળ પણ અનેક કારણો હોય છે. ત્યારે બહારથી ભલે પરીણામ બાદ ચિત્ર સ્પષ્ટ લાગી રહ્યુ હોય. પરંતુ ગુપ્ત રીતે તડજોડનાં દાવ-પેચ ચરમસીમાએ ચાલી રહ્યા છે.

પ્રમુખની ચૂંટણી થાય ત્યાં સુધી દાવપેચ ચાલશે

ગાંધીનગર મહાનગર પાલિકાની ગત ચૂંટણીમાં ટાઇ પડ્યા બાદ જે માહોલ નિર્માણ થયો હતો તેવુ જ તાલુકા પંચાયતમાં પણ થઇ શકે છે. હાલ જે દાવપેચ ચાલી રહ્યા છે તેમાં કોણ કોની સાથે છે તે બાબતે કોઇ જ બાબત ખુલીને જાહેર નહી થાય. નોટીફિકેશન બાદ પ્રમુખ-ઉપ પ્રમુખની આંતરીક ચૂંટણીનાં પરીણામમાં જ દુધનું દુધ અને પાણીનું પાણી થશે.