તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રાઇવરને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો,પણ બસને સંભાળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથીકડી તરફ જઇ રહેલી એસ.ટી બસના ડ્રાયવરને ચાલુ બસે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જો કે ડ્રાયવરની સમય સુચકતાના કારણે જીવલેણ અકસ્માતની હોનારત ટળી જતાં મુસાફરોએ રાહતનો દમ લીધો હતો. બસને ઝુંડાલ કેનાલ પાસે થોભાવી દેવાઇ હતી અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવાઇ હતી.

અમદાવાદના ગીતામંદિર મુખ્ય એસ.ટી ડેપોમાંથી સવારે 10 વાગ્યાની આસપાસ કડીની બસ ઉપડી હતી. ત્યારે બસ રાણીપ ખાતેના નવા ડેપો સુધી પહોંચી ત્યાં સુધી ડ્રાયવરની તબિયત બરાબર હતી. પરંતુ સાબરમતી પહોંચે તે પહેલાં ડ્રાયવરને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી તેએ સાબરમતી ખાતે બસ થોભાવી દીધી હતી અને કન્ડક્ટરને જાણ કરી હતી કે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો છે. તબિયત નાદુરસ્ત જણાતાં બન્ને જણા નીચે ઉતર્યા હતાં. ત્યારે ડ્રાયવરે ચા સાથે બિસ્કીટનો નાસ્તો કર્યો હતો. જેથી થોડી વારમાં તેને રાહત થઇ હતી. દરમિયાન બસ લઇને તે કડી તરફ જવા માટે મહેસાણા હાઇવે પરથી રવાના થયો હતો. સાબરમતી ડી કેબીન થઇને બસ ચાંદખેડા વટાવી આગળ નિકળી ત્યાં સુધી ડ્રાયવર સ્વસ્થ હતો. પરંતુ બસ રિંગરોડ સર્કલથી આગળ નિકળીને ઝુંડાલ નર્મદા કેનાલ ઉપરથી પસાર થઇ રહી હતી, ત્યાં ડ્રાયવરને ફરીથી છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી સ્ટીયરીંગ ઉપર કાબુ મેળવવા ડ્રાયવર મથામણ કરી રહ્યો હતો. ત્યારે બસ આડીઅવળી થતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. ત્યાં ડ્રાયવરે સમયસૂચકતા દાખવી બસને કેનાલથી થોડી આગળ થોભાવી દીધી હતી. અકસ્માતની ઘટનામાંથી ઉગરી ગયા હોય તેવા અહેસાસ સાથે 30થી વધુ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

એસટીને ઝુંડાલ કેનાલ પાસે થોભાવી દેવાઇ હતી

અમદાવાદથી કડી જતી બસના મુસાફરો બચ્યા

અન્ય સમાચારો પણ છે...