• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • શહેરના 9 કોમર્શિયલ કોમ્પ્લેક્સને પાર્કિંગ માટે ભોંયરા ખોલવા નોટિસ

શહેરના 9 કોમર્શિયલ કોમ્પ્લેક્સને પાર્કિંગ માટે ભોંયરા ખોલવા નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેક્ટર 11 અને સેક્ટર 21ના વાણિજ્ય વિસ્તારમાં આવેલા 9 કોમર્શિયલ કોમ્પલેક્સને વાહનના પાર્કિંગ માટે કોમ્પલેક્સમાં બનાવાયેલા ભોંયરા ખોલી નાખવા માટે મહાપાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. વાહનોના ખડકલા મનફાવે તેમ કરવામાં આવતા પાર્કિંગને કારણે થાય છે અને તેનાથી રોજ નાના મોટા અકસ્માત અથવા બબાલ થતા રહે છે.

વર્ષો જુની આ સમસ્યાના નિરાકરણ માટે ભૂતકાળમાં કોમ્પલેક્સના સંચાલકોને નોટિસો ફટકારાઇ છે, પરંતુ તેઓ ઘોળીને પી જતા હોય છે. હવે ફરીથી તંત્ર જાગ્યુ છે અને 3 દિવસમાં ભોંયરા નહીં ખોલનાર કોમ્પલેક્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ સ્પષ્ટ જણાવી દેવાયું છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે દરેક કોમ્પલેક્સ માટે જે જમીન આપવામાં આવી છે. તે રાહતદરથી આપવામાં આવી છે અને તેની સામે સરકાર તરફથી શરતો પણ મુકવામાં આવી છે. તેમાં કોમ્પલેક્સના ભોંયરાનો ઉપયોગ વાહન પાર્ક કરવા માટે કરવાનો રહેશે તેવી સ્પષ્ટ શરત પણ મુકવામાં આવી હોવા છતાં કોમ્પલેક્સના સંચાલકો દ્વારા ભોંયરા બંધ રાખવામાં આવતા હોવાથી ત્યાં આવતા તમામ વાહનો રોડ પર આડેધડ પાર્ક થતા રહેતા હોવાથી રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે.

હવે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 235, 255, 260 અને ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976ની કલમ 36 હેઠળ તમામ કોમ્પલેક્સને નિયમ ભંગ સંબંધિ નોટિસ પાઠવવામાં આવી છે. કોમ્પલેક્સ દ્વારા વાહન પાર્કિંગ સિવાય ભોંયરાનો વપરાશ કરવામાં આવે કે તેને બંધ રાખવામાં આવે તો ઉપરોક્ત કલમોનો ભંગ થાય છે અને કાયદાનો ભંગ નહીં ચલાની લેવામાં આવે.

ક્યા કોમ્પલેક્સને નોટિસ અપાઈ છે?
સેક્ટર 11માં આવેલા સુમન ટાવર, મેઘમલ્હાર ટાવર, સુમન સિટી, શાલિન કોમ્પલેક્સ, પ્રેસિડેન્ટ, હવેલી આર્કેડ, વિજય કોમ્પલેક્સ અને અભિષેક કોમ્પલેક્સને જ્યારે સેક્ટર 21માં આર વર્લ્ડ કોમ્પલેક્સને નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...