મચ્છરથી મુક્તિ માટે 1 દિવસ ડ્રાયડે રાખવાનો નુસખો

ઉપાય ડેન્ગ્યુ, મેલેરિયા સામે બાથ ભીડવા વૈજ્ઞાનિક ઉપાયે; ઇંડામાંથી મચ્છર બનવાની સાઇકલ તુટે તો ફેલાવો અટકશે...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:22 AM
Gandhinagar - મચ્છરથી મુક્તિ માટે 1 દિવસ ડ્રાયડે રાખવાનો નુસખો
ગાંધીનગર શહેરમાં ડેન્ગ્યુ અને ઝેરી તથા સાદા મેલેરિયાના રોગચાળાનો ઉપદ્રવ થવાની દહેશત સાથે તેને મહાત આપવા માટે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મથામણ શરૂ કરાઇ છે. તેના અંતર્ગત દર શુક્રવારે ડ્રાય ડે રાખવા મતલબ કે પાણીનો સંગ્રહ કરવાના ઉપયોગમાં લેવામાં આવતાં હવાચુસ્ત ઢાંકણ નહીં ધરાવતા વાસણો સપ્તાહમાં એકવાર ઘસીને સાફ કરી તદ્દન સુકવી નાખવા માટેની અપિલ કરાઇ છે.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું છેકે ઇંડામાંથી મચ્છર બનવાની એક સપ્તાહની સાઇકલ તુટી જાય તો મચ્છરનો ફેલાવો અટકવાથી રોગચાળા પર કાબુ આવશે.

મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુનાં દર્દીઓ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદમાં વધી રહેલા દર્દીઓની અસર પણ લીંક સિટી હોવાના કારણે ગાંધીનગરમાં આવે છે. સેંકડો લોકો દરરોજ ગાંધીનગર અમદાવાદ વચ્ચે આવજા કરતાં હોવાથી તેમ થઇ રહ્યું છે. આ સંજોગોમાં ગાંધીનગર શહેરમાં રોગચાળાને અટકાવવા પગલા લેવા આવશ્યક છે. મહાપાલિકા તરફથી પોરાનાશક કામગીરી કરાઇ જ રહી છે. ઉપરાંત રોગથી બચવા માટે માહિતીનો પ્રસાર પ્રચાર કરાઇ રહ્યો છે.

સોર્સ રીડક્શન માટે મતલબ કે મચ્છરની ઉત્પતિને જ અટકાવવામાં કારગર નિવડેલી ‘ડ્રાયડે વન્સ એ વીક’ પદ્ધતિને અમલી કરવાથી સારા પરિણામ મળી શકે છે. પરંતુ તેના માટે સરકારી તંત્રએ કંઇ કરવાનું નથી. દરેક રહેવાસીએ અને દરેક પરિવારે જ તેના માટે જવાબદારી નિભાવવી પડે. તંત્રે તેના માટે દર શુક્રવારે પાણીનો સંગ્રહ કરવાના ઉપયોગમાં લેવામાં આવતાં હવાચુસ્ત ઢાંકણ નહીં ધરાવતા વાસણો ઘસીને સાફ કરી તદ્દન સુકવી નાખવા અપિલ કરાઇ છે. તેનાથી મચ્છરની ઉત્પતિ અટકશે.

રાજ્યની આરોગ્ય કમિશનર કચેરીએ પણ દરેક પરિવારને આ ચળવળમાં જોડાઇ જવા અનુરોધ કર્યો છે. કેમ કે ડેન્ગ્યુના મચ્છર ગંદા પાણીના ખાબોચિયામાં કે ગટર ઉભરાતી હોય ત્યાં ઉત્પન્ન થતાં નથી, પરંતુ આ મચ્છર ચોખ્ખા પાણીમાં જ પેદા થાય છે.

ડેન્ગ્યુના 4 અને ચિકન ગુનિયાનો 1 કેસ

આરોગ્ય અધિકારીએ કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના દર્દીની સંખ્યા વધે છે. ગાંધીનગરમાં તારીખ 1મીથી 14મી દરમિયાન એક પખવાડિયામાં ડેન્ગ્યુના 4 કેસ, ચિકનગુનિયાનો 1 અને ઝેરી મેલેરિયાના 2 સહિત મેલેરિયાના 21 દર્દી નોંધાયા છે. ત્યારે લોકોએ આ મુદ્દે જાગૃતિ કેળવવી અનિવાર્ય છે.

X
Gandhinagar - મચ્છરથી મુક્તિ માટે 1 દિવસ ડ્રાયડે રાખવાનો નુસખો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App