તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ ન હટાવવા અધિકારીઓ પર રાજકીય દબાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | શહેરી વિસ્તારોમાં વાહન પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવાના મુદ્દે હાઇકોર્ટ દ્વારા સખ્ત વલણ અપનાવીને સરકારને ફટકાર લગાડવામાં આવ્યા પછી મુખ્યમંત્રીએ તમામ 8 મહાપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજીને કાયદેસરની કાર્યવાહી કરવા આપેલા આદેશ પછી પણ અમદાવાદમાં જે રીતે પાકા દબાણ હટાવાયા અને પાર્કિંગ પ્લેસ ખુલ્લા કરવાની સાથે જે પ્રકારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવું જ્યાં સરકાર બેસે છે, તેવા પાટનગરમાં મહાપાલિકા દ્વારા કંઇ કરી બતાવવામાં આવ્યું નથી.

મુખ્યમંત્રીના આદેશ બાદ પણ અમદાવાદ જેવી કામગીરી થઇ નથી
હવે દબાણ હટાવવા સામે અધિકારીઓ પર રાજકીય દબાણ લાવવાના પેંતરા શરૂ થઇ ગયા છે. પરિણામે શુક્રવારે શાલિન કોમ્પલેક્સના દબાણ તોડવા વખતે થયેલી બબાલ બાદ દબાણ હટાવ શાખા હાથ પર હાથ ધરીને બેસી પડી છે.

પખવાડિયા પહેલા મહાપાલિકા દ્વારા પાર્કિંગ પ્લેસમાં થયેલા દબાણરૂપ બાંધકામ અને હેતુફેર ઉપયોગના મુદ્દાને કેન્દ્રમાં રાખીને નોટિસનો દોર ચલાવ્યો તે સમયે મ્યુનિસિપલ કમિશનર એસ એલ અમરાણીએ સભામાં જ એમ કહ્યું હતુ કે એકાદ સપ્તાહમાં આદિશામાં મહાપાલિકાની કામગીરી જોવા મળશે. તે પ્રમાણે સપ્તાહ બાદ કામનો પ્રારંભ તો થયો હતો, પરંતુ તેમાં આખરે આરંભે શુરા જેવો તાલ સર્જાયો છે. જેમ તોડફોડ અને સીલ મારવાની કાર્યવાહી આગળ વધી તેમ તેમ ભાજપ સંગઠનમાં જ ગણગણાટ શરૂ થઇ ગયો અને આખરે મહાપાલિકાના અધિકારીઓનો પનો ટુંકો પડી ગયો છે.

પરિણામે તોડફોડ અને સીલીંગ બન્ને કામગીરી છેલ્લા ચાર દિવસથી બંધ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં જાણે મુખ્યમંત્રીનો આદેશ નથી ચાલતો, પરંતુ સ્થાનિક રાજકારણીઓની જો હુકમી ચાલી રહી છે.

22 સીલ મારી દીધા બાદ પાણીમાં બેસી ગયા
મહાપાલિકાએ અભિયાનની શરૂઆત મોટા ઉપાડે કરી હતી અને 90 એકમને નોટિસ ફટકારીને પાર્કિંગની જગ્યા ખુલી કરવામાં નહીં આવે તો ડિમોલીશન કરી દેવાની સ્પષ્ટ ચિમકી આપી હતી. આખરે 22 એકમને સીલ મારી દીધા પછી હવે તંત્ર રીતસરનું પાણીમાં બેસી ગયું છે.

યોગ્ય પુરાવા હશે તો જ સીલ ખૂલશે: ડીએમસી
આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે એકમોના સીલ ખોલી દેવા માટે રજુઆતો મળી રહી છે. પરંતુ જે કિસ્સામાં એકમ દ્વારા યોગ્ય પુરાવા રજુ કરવામાં આવશે તેના સીલ જ ખોલવામાં આવશે.

રૂટીન બેઠક બોલાવી હતી: ઇન્ચાર્જ મેયર ચાવડા
ઇન્ચાર્જ મેયર દેવેન્દ્રસિંહ ચાવડા દ્વારા સોમવારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ચોથા માળે બોલાવીને તેમની સાથે બેઠક યોજી તેમાં દબાણ અને વેપારીઓની આ મુદ્દે રજુઆતનો મુદ્દો ચર્ચાયો હતો. પરંતુ ઇન્ચાર્જ મેયરે આ બેઠકને રૂટીન ગણાવી હતી.

વાદળો વચ્ચે સુરજદાદાની સંતાકૂકડી
છેલ્લા બે દિવસથી ભારે વરસાદની આગાહી મુજબ આકાશમાં વાદળો ગોરંભાઈ ગયેલા હતા પરંતુ સોમવારે બપોર બાદ સૂર્યનારાયણના કિરણો દેખાતા પાટનગરમાં આ દૃશ્ય સર્જાયું હતું. તસવીર : કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...