ગાર્બેજ સક્શન સિસ્ટમ જમીન નહીં મળે ત્યાં સુધી અધ્ધરતાલ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:46 AM IST
Gandhinagar - ગાર્બેજ સક્શન સિસ્ટમ જમીન નહીં મળે ત્યાં સુધી અધ્ધરતાલ
ગાંધીનગર | કેન્દ્ર સરકાર દ્વારા મહાપાલિકા વિસ્તારમાં કચરાના વ્યવસ્થાપન માટે જંગી નાણાં સહાય આપવામાં આવ્યા પછી અહીં ઓટોમેટિક ગાર્બેજ સક્શન સિસ્ટમ કાર્યાન્વિત કરવાનો નિર્ણય લીધાને 3 વર્ષ થવા છતાં કામના શ્રી ગણેશ થયાં નથી. હવે સ્માર્ટ સિટીમાં સમાવી દેવાયેલા આ પાયલોટ પ્રોજેક્ટને સફળતા મળે તો સમગ્ર નગરને આવરી લેવાની સાથે આ સિસ્ટમ રાજ્યના તમામ મોટા શહેરોમાં લગાડવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા કવાયત કરાશે.

વેક્યુમ ક્લીનરની જેમ આ સિસ્ટમ કચરાને ખેંચીને દૂર ધકેલે છે

પરંતુ તેના માટે સેક્ટર 21માં જમીન ફાળવવાની મહાપાલિકાની દરખાસ્ત સરકારમાં જાણે અભેરાઇએ ચઢી ગઇ છે. કચરાના વ્યવસ્થાપનની રાબેતા મુજબની પદ્ધતિમાં ઘરે ઘરેથી અથવા વ્યાપારી વિસ્તારમાં દરેક એકમ પરથી ડસ્ટબિન મારફત એકત્ર કરાયેલો કચરો જે તે વિસ્તારમાં કચરા પેટી સાથેની વાન ફેરવીને ભેગો કરાય છે અને ત્યાર બાદ શહેર વિસ્તારમાં જ નિયત કલેક્શન સેન્ટર પર આ વાન આવે છે.

તેમાંથી મોટા ડમ્પર અને ટ્રેક્ટરમાં આ કચરો ઠલવાય અને તે વાહનને લેન્ડ ફિલ સાઇટ પર પહોંચાડી કચરાનો આખરી નિકાલ કરાય છે. આ પ્રક્રિયામાં સમય, શક્તિ અને નાણાંનો ખુબ પ્રમાણમાં વ્યય થાય છે. મોટી સંખ્યામાં કામદારો અને વાહનો જોઇએ છે.

વિદેશોમાં ઓટોમેટિક ગાર્બેજ સક્શન સિસ્ટમ દ્વારા તેનો હલ સફળતાપૂર્વક મેળવી લેવાયો છે. જેમાં જમીનની અંદર પાઇપલાઇન જેવી ટનલ બનાવાય છે અને દુરના વિસ્તારમાં તેનું ઓપરેટિંગ સ્ટેશન બને છે. ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ કચરો ઠાલવવા માટેના જુદા જુદા પોઇન્ટ અપાય છે.

તેમાં જ એકત્રિત કચરાને નાખવાથી તે ખેંચાઇને સ્ટેશન પર પહોંચે છે અને ત્યાં જ તેને પ્રોસેસ કરતી મશીનરી હોય છે. ભીના અને સુકા કચરા તથા પ્લાસ્ટિક અને મેટલના કચરાનો વેસ્ટમાંથી બેસ્ટ તરીકે ઉપયોગ કરાય છે.

પાયલોટ પ્રોજેક્ટ માટે સેક્ટર-21 પર પસંદગી

પાટનગરમાં સૌથી મોટો વાણિજ્ય વિસ્તાર સેક્ટર-21માં છે. અહીં ઓરસ ચોરસ પોણો કિલોમીટર જેટલા અતિ મોટા વિસ્તારમાં ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર અને વિશ્વકર્મા શોપિંગ સેન્ટર આવેલા છે. તેમાં સૌથી મોટી શાક માર્કેટ પણ આવેલી હોવાથી વ્યાપક પ્રમાણમાં દૈનિક કચરો ઉત્પન્ન થતો હોવાના કારણે આ વિસ્તારની પસંદગી મોટાભાગે કરાશે.

જમીન મળવાની સાથે યોજના આગળ વધશે

મહાપાલિકાને આ યોજના પાર પાડવા માટે નાણા પણ રાજ્ય સરકાર આપવાની છે અને જમીન પણ સરકાર આપવાની છે. જમીન ફાળવવામાં આવશે, તે સાથે જ મહાપાલિકા આ યોજનામાં આગળ વધશે તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યુ હતું.

X
Gandhinagar - ગાર્બેજ સક્શન સિસ્ટમ જમીન નહીં મળે ત્યાં સુધી અધ્ધરતાલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી