• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Gandhinagar
  • Gandhinagar - ગેરકાયદે બાંધકામ અને વપરાશ મુદ્દે હવે મનપા તાળાવાળી કરશે: રહીશોમાં ઉચાટ

ગેરકાયદે બાંધકામ અને વપરાશ મુદ્દે હવે મનપા તાળાવાળી કરશે: રહીશોમાં ઉચાટ

ચિમકી | મનપાના રહેણાંકના પ્લોટમાં કાયદેસરની કાર્યવાહીના નિર્ણયથી ફફડાટ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Gandhinagar - ગેરકાયદે બાંધકામ અને વપરાશ મુદ્દે હવે મનપા તાળાવાળી કરશે: રહીશોમાં ઉચાટ
ગાંધીનગર | પાટનગરમાં ગેરકાયદે બાંધકામ અને અનધિકૃત વપરાશ કરવા સંબંધે દરેક સેક્ટરમાં તપાસ માટે 3 ટુકડીઓને જવાબદારી સોંપીને કામે લગાડ્યા બાદ પ્રાથમિક તપાસમાં જ 200 કિસ્સા શોધી કઢાયા હતાં. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે બાંધકામ નક્શા મંજુરીનો ભંગ કરવા બદલ ઉપરોક્ત તમામ કિસ્સામાં નોટિસ આપી હતી અને આખરી નોટિસ અપાઇ રહી છે. તેમને ખુલાસા અને પુરાવા રજુ કરી ગેરકાયદે બાંધકામ દૂર કરવા તાકીદ કરાઇ છે.

તંત્ર દ્વારા પ્રાથમિક તપાસમાં જ 200 કિસ્સા શોધી કાઢવામાં આવ્યા હતાં

ત્યારે મહાપાલિકાની બાંધકામ શાખા દ્વારા સોમવારથી શહેરના વિવિધ સેક્ટરમાં એકમોને તાળા મારવાની કાર્યવાહી કરનાર છે. મહાપાલિકા દ્વારા છેલ્લા ચાર વર્ષથી બાંધકામ પરવાનગી આપવાની અને નકશા મંજુર કરવાની કામગીરી કરાય છે. તેના પહેલા આ કામગીરી ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ હસ્તક હતી. પરંતુ વર્ષ 2014માં રાજ્ય સરકારની સુચનાથી આ કામગીરી ગુડા દ્વારા તમામ રેકર્ડ સાથે મહાપાલિકાને સોંપી હતી.

ભૂતકાળમાં પણ સેંકડો અનધિકૃત બાંધકામ થયાનો અંદાજ છે. પરંતુ સ્વાભાવિક રીતે જ ચાર વર્ષના ગાળામાં પણ મહાપાલિકા વિસ્તારમાં ઘણા નવા બાંધકામ થયા હોય તેમાં પણ નકશામાં દર્શાવ્યા ઉપરાંતના અનધિકૃત બાંધકામ થયાની ફરિયાદો મ્યુનિસિપલ કમિશનરને મળી હતી. ફરિયાદોના પગલે કમિશનર દ્વારા અનધિકૃત બાંધકામ અને વપરાશની તપાસ કરવા 3 ટુકડીને મેદાને ઉતારાઇ હતી.

ટુંક સમયમાં 200 કિસ્સામાં અનધિકૃત બાંધકામ કે અનધિકૃત વપરાશ સંબંધે આખરી નોટિસ આપવાની કવાયત શરૂ કરાઇ છે. પાટનગરમાં સૌથી મોટુ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંક હેતુ માટેના પ્લોટ 330 ચોરસ મીટરના છે અને તેમાં પરવાનગી તથા નક્શા વિરૂધના બાંધકામ થયા છે અથવા હેતુફેર બાંધકામ કરાયા છે.

શહેરમાં રહેણાંક હેતુ માટે કરાયેલી પ્લોટની ફાળવણીમાં 81 ચોરસ મીટર, 90 ચોરસ મીટર, 135 ચોરસ મીટર, 200 ચોરસ મીટર, 250 ચોરસ મીટર અને 330 ચોરસ મીટરના પ્લોટનો સમાવેશ થાય છે. ત્યારે મહાપાલિકાની કાર્યવાહીએ ઘણા લોકોને દોડતાં કરી દીધા છે.

હવે નેતાઓ ખરેખરા હરકતમાં આવ્યા છે

મહાપાલિકા દ્વારા સેક્ટર 24માં ગેરકાયદે બાંધકામ હટાવવા માટે મેગા ઓપરેશન કરાયું ત્યારે માત્ર ચૂપ જ નહીં રહેલા પરંતુ લપાતા છુપાતા ફરતા થઇ ગયેલા મહાપાલિકામાં શાશક પક્ષના નેતાએ હવે ખરેખરા હરકતમાં આવ્યા છે. કેમ કે મહાપાલિકાનું જેસીબી હવે માલદાર વિસ્તારો તરફ ટાર્ગેટ કરતુ દેખાઇ રહ્યું છે. સેક્ટર 7માં ખાનગી હોસ્પિટલોને ગત તારીખ 11મીએ નોટિસો અપાયા પછી કંઇ કરી શકાયુ ન હતું. ત્યાર બાદ સેક્ટર 1થી 3માં નોટિસો અપાઇ હતી. પરિણામે ભાજપના જ આગેવાનો હવે સમય આપવાની માગણી કરવા સાથે અધિકારીઓની ચેમ્બરોના આંટા મારતા થઇ ગયા છે.

X
Gandhinagar - ગેરકાયદે બાંધકામ અને વપરાશ મુદ્દે હવે મનપા તાળાવાળી કરશે: રહીશોમાં ઉચાટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App