દહેગામમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં મેઘ મહેર ચાલુ થઇ ગઇ છે. અસલ મીજાજમાં આવેલા મેઘરાજાએ બુધવારે સાંજે દહેગામમાં માત્ર 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસાવી દેતા શહેર આખું પાણી પાણી થઇ ગયુ હતું. ગાંધીનગર અને કલોલ પંથકમાં વાદળોએ સવારથી આકાશમાં ઘેરો ઘાલ્યો હતો અને સાંજે 7 વાગ્યાના અરસાથી છાંટા પડવા શરૂ થયા હતાં.

ગાંધીનગરમાં તો રાત્રે 9 વાગ્યાના અરસામાં ધીમીધારનો વરસાદ શરૂ થયો હતો. જે રાતભર ચાલુ રહે તેવા અણસાર આકાશમાં દેખાયા હતા. માણસામાં પંથકમાં વરસાદના કોઇ સમાચાર બુધવારે ન હતાં. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની ઇનિંગ ચાલી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કેમ કે હવે વાવણી માટે વધુ દિવસ રાહ જોઇ શકાય તેમ નથી.

સરકારી તંત્ર દ્વારા પણ વરસાદના પડે તો કેવા પાકનું વાવેતર કરવું તેનું માર્ગદર્શન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બુધવારે જિલ્લામાં અસલ મીજાજના વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. અહીં સાંજે 6થી 7ના ગાળામાં મતલબ કે માત્ર એક કલાકમાં બે ઇંચ જોવો વરસાદ ખાબકતા ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતાં. પરિણામે ચાલુ ચોમાસામાં વરસાદની સૌથી વધુ ટકાવારી પણ દહેગામ તાલુકાની થઇ ગઇ છે.

બીજી બાજુ ટકાવારીમાં ગાંધીનગર બીજા, કલોલ ત્રીજા અને માણસા ચોથા ક્રમે યથાવત રહ્યાં છે. રાત્રે વરસાદ ધીમીધારે ચાલુ રહેવાના કારણે પાટનગરમાં પાણી વહી ગયા હતાં. જો કે આશ્ચર્ય એ વાતનું હતું કે નવા સેક્ટર વિસ્તારમાં કેટલીક જગ્યાએ છાંટો પણ પડ્યો નહતો.

દહેગામ પૂર્ણિમા સ્કૂલ અને દહેગામ મોડાસા હાઈવે પર પાણી ભરાયા.

અન્ય સમાચારો પણ છે...