ત્રણ દિવસથી સૂર્યનારાયણના દર્શન થયા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરવાસીઓ દિવસભર ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા રહ્યાં

ઓખીની અનોખી અસર: તાપમાન 16 ડિગ્રી થતાંલોકો ઠુંઠવાયા

પાટનગરમાં છેલ્લા બે દિવસી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓખી ચક્કવાતની અસરના કારણે મંગળવારે વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા બાદ ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. પરંતુ સાંજ પડતાં વરસાદ રહી જવાની સાથે કડકડતી ઠંડીનો નાગરિકોએ અનુભવ કરી રહ્યા છે. બુધવાર સવારથી શહેરના કાળા ડિબાંગ વાદળોએ ઘેરી લેતા દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું અને નાગરિકોએ દિવસભર ગરમ વસ્ત્રોમાં લપટાયેલા રહ્યા હતાં. પરંતુ ઓખીની અસર મંદ પડવા છતાં ઠંડીનો પારો ગગડી ગયો છે અને શરીર ધ્રુજાવે તેવી ઠંડી પડી રહી છે. મહત્તમ મતલબ કે દિવસનું તાપમાનનો પારો 16 ડિગ્રીએ આવી ગયો હતો અને રાત્રે લઘુત્તમ તાપમાનનો પારો 19.8 ડિગ્રી નોંધાયો હતો.

ઓખી વાવાઝોડુ સમુદ્રમાં સમાઇ ગયુ છે. પરંતુ તેની અસર બે દિવસથી જોવા મળી રહી છે. રાજ્યમાં બે દિવસથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ઝરમરીયો વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે સૂર્યદેવે છેલ્લા 3 દિવસથી દેખા દિધી નથી. ભર શિયાળાની ઋતુમાં ગાંધીનગરમાં હિલ સ્ટેશન જેવુ વાતાવરણ સર્જાયુ છે.

ચારે તરફ નાગરીકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ગયા છે અને બપોરના સમયે તાપણા કરવાનો વારો આવ્યો છે. અચાનક ઠંડીનું પ્રમાણ વધતાં રહિશો ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કરી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા દિવસમાં આકાશ સ્વચ્છ થઇ જશે. પાટનગરમાં મહત્તમ તાપમાન 16 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 19.8 ડીગ્રી નોધાયુ છે. જ્યારે સવારે ભેજ 86 ટકા અને સાંજે ભેજ 82 ટકા નોંધાયો હતો. ત્યારે આગામી બે દિવસમાં રાજ્યમાં ફરીથી સ્વચ્છ વાતાવરણ થઇ જશે, તેમ હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...