પેથાપુરમાં તસ્કરો ત્રાટક્યા : બે મકાનમાંથી1.20 લાખની ચોરી
ગાંધીનગરશહેર તથા જિલ્લાની પોલીસ નાગરીકો અને નાગરીકોનાં જાનમાલની સુરક્ષા કરવા કરતા નેતાઓ અને વીઆઇપીઓનાં બંદોબસ્ત માટે મુકવામાં આવી હોય તેવુ નાગરીકોને લાગવા માંડ્યુ છે. પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોય ત્યારે તસ્કરો મકાનોનાં તાળા તોડી રહ્યા છે. ત્યારે પેથાપુરની રાધીકા રેસીડેન્સીમાં તસ્કરો બે મકાનનાં તાળા તોડીને રૂ.1.20 લાખની મત્તા ચોરી જતા ચકચાર મચી ગઇ છે. બે સપ્તાહથી ગાંધીનગર શહેરની આસપાસનાં વિસ્તારોમાં વધી રહેલા ચોરીનાં બનાવો નાગરીકોની સલામતીની બગડતી સ્થિતી દર્શાવી રહ્યા છે.
પેથાપુર-મહુડી માર્ગ પર આવેલી રાધીકા રેસીડેન્સીમાં ત્રાટકેલા તસ્કરોએ ખેમચંદભાઇ હરગોવનદાસ પટેલ તથા તેમનાં પડોશી આયુષ સત્યેન્દ્રભાઇ શર્માનાં મકાનને નિશાન બનાવ્યુ હતુ. ખેચમંદભાઇએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તા 23મીથી 26મી જુન દરમિયાન ઘરે તાળુ મારીને બહાર ગામ ગયા ત્યારે ત્રાટકેલા તસ્કરો નકુચો તોડીને તિજોરીમાંથી ચોના-ચાંદીનાં દાગીનાં તથા રૂ. 20 હજારની રોકડ મળીને રૂ. 47,500ની મત્તા ચોરી ગયા હતા. જયારે તેમની સોસાયટીમાં રહેતા આયુષભાઇનાં ઘરમાંથી રૂ.10 હજારની રોકડ તથા દાગીના મળીને રૂ. 73 હજારની મતા મળીને બંને મકાનોમાંથી કુલ રૂ. 1.20 લાખની મત્તા ચોરી ગયા હતા. ખેમચંદભાઇની ફરીયાદનાં આધારે પેથાપુર પોલીસ સ્ટેશનનાં સિનીયર પીએસઆઇ વી બી દેસાઇએ દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત, તસ્કરો ચોરીઓ કરવામાં મસ્ત, લોકો કાયદાની સ્થિતિથી ત્રસ્ત