મનપાની આજે સામાન્ય સભા વિપક્ષ ગાજશે કે પાણીમાં બેસશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનેસ્માર્ટ સિટી બનાવવા મહાપાલિકાએ કવાયત શરૂ કરી છે અને તેના સંબંધે સરકારમાં મોકલવા માટે તૈયાર કરાયેલી દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુરી આપી દીધી છે. હવે દરખાસ્ત તા. 16મીએ મળનારી સામાન્ય સભામાં મંજુરી માટે મુકવામાં આવશે. જો કે વિરોધ પક્ષ કોંગ્રેસ મુદ્દાને ગજવવાના મુડમાં છે. મહાપાલિકામાં કોંગ્રેસના આગેવાન શૈલેન્દ્રસિંહ બિહોલો સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા ગાંધીનગરરૂપે દેશને પહેલું સ્માર્ટ સિટી આપ્યું ત્યારે અહીં તે સમયની દરેક અને આધુનિક માળખાકીય સુવિધાઓ હતી. જેને ભાજપ સરકારે છેલ્લા 20 વર્ષમાં સુવિધાઓનું ધનોત પનોત કાઢી નાખ્યું છે. આજે અહીં પીવાનું પાણી પણ પ્રેસરથી મળતું નથી અને કહેવાતી ફ્રી વાઇફાઇ સિટીની જાહેરાત પોકળ અને ચૂંટણીલક્ષી સાબિત થઇ ચૂકી છે.

મેયર પ્રવિણભાઇ પટેલે જણાવ્યું કે સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના દરેક સેક્ટરના બગીચાઓનું આધુનિકરણ હાથ ધરવાની યોજના છે. તેમાં સેક્ટર 28માં આવેલા બાલોદ્યાન અને માર્ગ પર આવેલા સરિતા ઉદ્યાનનો સમાવેશ કરાશે. શહેરના દરેક ખુણાને આવરી લેતી જાહેર વાહન સેવા, જાહેર સ્થળો આસપાસ પુરતી સંખ્યામાં જાહેર અને પે એન્ડ યુઝ ટોઇલેટ્સ, શહેરના મુખ્ય માર્ગોને સમાંતર સાઇકલ ટ્રેક્સ સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને દરેક બાબત પ્રેઝન્ટેશનમાં સમાવાઇ છે. સરકાર તેમાં સુધારા સુચવે તો તે દિશામાં કામ કરાશે અને મંજુર રાખે તો પ્રેઝન્ટેશન સહિતની દરખાસ્ત દિલ્હી શહેરી વિકાસ વિભાગને મોકલાશે.

સ્માર્ટ સિટીના મુદ્દે તડાફડી ? | હવે પાટનગરમાં પૂરતાં પ્રેશરથી પાણી પણ મળતું નથી

દરખાસ્ત સર્વાનુમતે પસાર થવાના એંધાણ નથી

સામાન્ય સભામાં સ્માર્ટ સિટીની દરખાસ્ત સર્વાનુમતે તો પસાર થવાના એંધાણ નથી. કોંગ્રેસના સત્તાવાર 15 સભ્યો તેનો વિરોધ કરશે અને ભાજપના 16 સભ્યોની બહુમતીથી દરખાસ્ત પસાર કરવામાં આવશે. પ્રક્રિયામાં ક્યાંય મતદાન કરવાની સ્થિતિ આવતી હોતી નથી. પરિણામે ભાજપને મેયરના કાસ્ટિંગ વોટની જરૂર પણ પડશે નહીં.

SVPસહિતની સત્તાઓ કમિશનરને અપાશે

સ્માર્ટસિટીની યોજનાનો અમલ કરવા માટે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ સંબંધે કરેલી જોગવાઇ પ્રમાણે સ્પેશ્યલ પર્પઝ વિહિકલ (વિશેષ અમલીકરણ સમિતિ)ની રચના જરૂરી છે. ઉપરાંત કોઇ વધારાના ખર્ચ કરવાની જરૂર પડી શકે છે. તમામ સતાઓ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે.

સ્માર્ટસિટીમાં અનેકવિધ મુદ્દાઓ સમાવાયા છે

સ્માર્ટસિટીની દરખાસ્તમાં 14 મુદ્દા સમાવાયા છે. તેમાં મીટર મુકીને 24 કલાક પાણી પુરવઠો, 32 આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ વાહન વ્યવહાર અને પરિવહન યોજના, કોમ્યુનિટી ટોઇલેટ્સ, બગીચાઓનું નવીનીકરણ, સાઇકલ ટ્રેકની આજુબાજુ વૃક્ષારોપણ અને નર્મદા કેનાલ પર સોલર પેનલ, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સેક્ટર 11 અને 21માં મલ્ટિ સ્ટોરી પાર્કિંગ, ડિજીટલ સાઇન બોર્ડ્સ, ડમ્પિંગ સાઇટની સમસ્યા અને સોલિડ વેસ્ટની સમસ્યાઓ નિવારવા વેસ્ટ ટુ એનર્જી સિસ્ટમ અને કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલીશન વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અમલી કરવાના મુદ્દા સમાવાયા છે.

પાટનગરમાંકેવી કેવી સુવિધાઓ અપાઇ હતી

પાટનગરનીસ્થાપના સમયે દરેક સેક્ટરમાં સુવિધા કેન્દ્ર, સરકારી શાળા, પોસ્ટ ઓફિસ, દવાખાનું, બગીચા, શોપિંગ સેન્ટર અને પોલીસ ચોકી સહિતની સુવિધા આપવામાં આવી હતી. કોંગ્રેસી નગરસેવક શૈલેન્દ્રસિંહ બહોલાએ કહ્યું કે ભાજપના શાસન દરમિયાન તમામ માળખાકીય સુવિધાની ઘોર ખોદી નંખાઇ છે અને હવે સ્માર્ટ 4 સિટી પ્રોજેક્ટમાં યોજનાઓ સમાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...