બે વર્ષમાં ઇંધણના વેચાણથી 3.40 અબજ વેટની આવક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મજાત બધિર 105 બાળકોને સર્જરી

ગાંધીનગરજિલ્લામાં વિવિધ પ્રકારના ઇંધણ અને રાસાયણિક ખાતરના વેચાણમાં રૂપિયા 3.40 અબજ જેવી જંગી આવક બે વર્ષ દરમિયાન થઇ હોવાનું વિધાનસભા પ્રશ્નોત્તરીમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા સાણંદના ધારાસભ્ય કરમશીભાઇ પટેલના પ્રશ્નનાં જવાબમાં જણાવવામાં આવ્યું છે. વેટની આવકમાં સૌથી વધુ આવક સીએનજી અને પીએનજીના વેચાણમાંથી રૂપિયા 2.69 અબજની થઇ છે. નોંધવું રહેશે કે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલ પર 24 ટકા વેટ અને 4 ટકા સેસ મળીને 28 ટકા વેરા વસૂલાત કરવામાં આવે છે. જ્યારે સીએનજી અને પીએનજીમાં 12.5 ટકા વેટ અને 2.5 ટકા વધારાના વેરાની વસૂલાત કરવામાં આવે છે.

નાયબ મુખ્યમંત્રીએ આપેલા જવાબ પ્રમાણે જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન પેટ્રોલના વેચાણમાંથી 11.57 કરોડ, ડીઝલના વેચાણમાંથી 5.10 કરોડ, સીએનજીમાં 134 કરોડ, પીએનજીમાં 135.15 કરોડ અને રાસાયણિક ખાતરના વેચાણમાં રૂપિયા 54 કરોડની આવક સરકારને તા. 31 ડિસેમ્બર 2016 સુધીમાં થઇ હતી.

પેવર થયો હોય તેવો કોઇ રસ્તો નથી

ડિસેમ્બર2016ની સ્થિતિએ 14 વર્ષથી પેવર કરવામાં આવ્યો ના હોય તેવો ગાંધીનગર જિલ્લામાં એક પણ નોન પ્લાન રોડ નહીં હોવાનું નાયબ મુખ્યમંત્રીએ સાણંદ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કરમશીભાઇ પટેલના જવાબમાં જણાવતાં એમ પણ કહ્યું છે કે આવો એક રસ્તો અમદાવાદમાં છે અને તે હાલમાં વાહન વ્યવહાર માટે યોગ્ય હોવાથી તેનું પેવર કામ કરવાનું કોઇ પણ પ્રકારનું આયોજન પણ નથી.

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવાની સુવિધા જીએમઇઆરએસ સોસાયટી હસ્તકની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી છે અને તેના અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન જાન્યુઆરીથી ડિસેમ્બર 2016 સુધીમાં 105 બાળકો પર કોક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન કરી આપવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રીએ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના પ્રશનના જવાબમાં જણાવ્યું છે.

સીએનજી અને પીએનજીના વેચાણમાં 269 કરોડની આવક મળી

પેટ્રોલ-ડિઝલ પર 28 ટકા અને CNG - PNGમાં 15 ટકા વેટ છે

અન્ય સમાચારો પણ છે...