કરોડોની કિંમતનાં 98 પ્લોટ માટે 325 દાવેદાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટનગરમાંજમીનનો ટુકડો સોનાથી પણ મોંઘાભાવનો બની ગયો છે. એક ચોરસવાર જમીનના ભાવ 1 લાખ નહીં પરંતુ 1.50 લાખની આસપાસ બોલવામાં આવે તેવી સ્થિતિનું સર્જન થયું છે. વાણિજ્ય હેતુના પ્લોટ મેળવવા માટે તો અમદાવાદના બિલ્ડરો અને બેંક જેવી સંસ્થાઓ પણ મેદાનમાં ઉતરી હોવાથી આમ આદમીનો ગજ વાગવાની વાત રહી નથી. પ્લોટની હરાજીમાં ભાગ લેવા માટે અરજી આપવાના છેલ્લા દિવસે અરજદારોનો આંકડો 325 પર પહોંચી જતા શહેરની મિલકતબજારમાં હલચલ મચી ગઇ છે.

એક દાયકાથી વધુ સમય બાદ રાજ્ય સરકાર દ્વારા રહેણાંક હેતુમાં જોડકા મકાન અને અપાર્ટમેન્ટ બાંધી શકાય તેવા પ્લોટ તથા વાણિજ્ય હેતુમાં દુકાન, શોરૂમ, કોર્પોરેટ હાઉસ અને ડોક્ટર હાઉસ માટેના પ્લોટની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે હરાજીમાં બધા મળીને કુલ માત્ર 98 પ્લોટ મૂકવામાં આવ્યા હોવાના કારણે સરકારને તગડી આવક થવાના અણસાર મળી રહ્યાં છે. વાણીજ્ય હેતુમાં એક ચોરસમીટર જમીનની તળીયાની કિંમત 57 હજાર જેટલી મૂકવામાં આવી છે. તેની સામે એક ચોરસમીટર જમીન માટે ~ 1.50 લાખ સુધીની બોલી લાગે તો નવાઇ નહીં રહે તેમ બજારના સુત્રો કહી રહ્યાં છે. દરેક પ્લોટ 150 ચોરસમીટરના હોવાથી એક પ્લોટની પડતર કિંમત ~ 2 કરોડ અને તેનાથી ઉપરની થવાની શક્યતા જોવાઇ રહી છે.

સરકાર દ્વારા હરાજીમાં રીંગ થાય અને બોલી બોલવામાં સામે કોણ અરજદાર છે તેની ઓળખ એકબીજાને મળે તેના માટે જમાનની હરાજી ઓનલાઇન કરવામાં આવનાર છે. આગામી તા. 1થી 5 દરમિયાન દરરોજ પ્લોટની હરાજી કરવામાં આવનાર છે.

ત્યારે અરજી આપવાના છેલ્લા દિવસે કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખાના કર્મચારીઓ અરજી સ્વીકારીને તેની પહોંચ ફાડવાની કામગીરી કરીને રીતસરના થાકી ગયા હતાં. મંગળવારે એક દિવસમાં 150 જેટલી અરજીઓ આવી હતી. પરિણામે કચેરીમાં અરજદારોનો રાફડો ફાટ્યા જેવી સ્થિતિનું સર્જન થયું હતું.

હરાજી| પાટનગરમાં 150 ચો.મીટરના વાણિજ્યના પ્લોટો મેળવવા બિલ્ડરો તેમજ બેંક જેવી સંસ્થાઓ પણ મેળવવા મેદાનમાં

અન્ય સમાચારો પણ છે...