સેકટર 26નાં કિશાનનગરમાંથી કારનાં ટાયરો ચોરાયા, વધુ એક ચોરી
ગાંધીનગર શહેરમાં બેફામ વાહન ચોરીની સાથે સાથે ઘરની બહાર પાર્ક કાર્સનાં વ્હીલ ચોરાઇ જવાનાં બનાવો વધી રહ્યા છે. ટાયર ચોર ટોળકીનો ત્રાસ પ્રતિદીન વધી રહ્યો છે અને વાહન માલીકોની ચિંતા વધી રહી છે. ત્યારે સેકટર 26નાં કિશાનનગર વિસ્તારમાંથી આઇ20 કારનાં ચારેય ટાયરો ચોરાઇ જવાનો બનાવ સામે આવ્યો છે. આવા બનાવોમાં પોલીસ ફરીયાદ લેવામાં પણ ધાંધીયા કરતી હોવાનું સામે આવ્યુ છે. પરંતુ વિમા કંપની ફરીયાદ માંગતી હોવાથી ફરીયાદ લેવી ફરજીયાત બની છે.
સરકારી નગર ગણાતા ગાંધીનગર શહેરમાં સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવતા મકાનો પાસે પોતાનાં પાર્કિંગ નથી. જેના કારણે ખુલ્લામાં જ મકાનની બાજુમાં કે કોમન પ્લોટમાં બાઇકથી માંડીને કાર પાર્ક કરવામાં આવે છે. પરંતુ ગત ફેબ્રુઆરીનાં મધ્યથી ખુલ્લામાં પાર્ક કારની નીચે પેવર બ્લોક રાખીને એલાઇ સાથેનાં વ્હીલ ચોરાઇ જવાનાં સામે આવવા લાગ્યા હતા. જે પ્રતિદીન વધી રહ્યા છે. સેકટર 28, સેકટર 26, સેકટર 6, સેકટર 5, સેક્ટર 13, સિવીલ કેમ્પસમાંથી પણ વાહનોનાં ટાયરો ચોરાઇ ચુક્યા છે. ત્યારે સેકટર 26માં વધુ એક બનાવ સામે આવ્યો છે.
સેકટર 21 પોલીસ સ્ટેશનમાં કિશાનનગરમાં રહેતા સવજીભાઇ લઘરાભાઇ ચૌધરી દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે ગત તા 9મીની સાંજે તેમનાં પુત્રએ ઘર આગળ ખુલ્લામાં તેમની આઇ 20 કાર પાર્ક કરી હતી. સવારે જોયુ તો રૂ. 30 હજારની કિંમતનાં સ્ટેપરી સાથેનાં ચારેય વ્હીલ ચોરાઇ ગયા હતા. સેકરટ 21 પોલીસે અરજી લીધી હતી. પરંતુ વિમા કંપનીએ ફરીયાદની નકલ માંગતા સેકટર 21 પોલીસે ફરીયાદ લીધી હતી. ગાંધીનગરમાં ટાયરો ચોરાઇ જવાનાં સંખ્યાબંધ કિસ્સા બન્યા છે. જેમાંથી પોલીસ ચોપડે જ 10થી વધુ નોંધાયા છે. ત્યારે વાહન ચાલકોમાં ફફટાડ ફેલાયો છે. બીજી તરફ પોલીસ આ દિશામાં પ્રયાસ કરી રહી છે. પરંતુ કોઇ સફળતા મળતી નથી.
સવજીભાઇએ ફરીયાદમાં નોંધાવ્યા પ્રમાણે કિશાનનગરમાં જ રહેતા રમેશભાઇ જુગાભાઇ પટેલની અલ્ટો કારનું પાછળનું વ્હિલ પણ તે જ રાત્રે ચોરાઇ ગયુ હતુ. જેની કિંમત રૂ. 5 હજાર નોંધાવવામાં આવી છે.